|
ગુજરાત
ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં
હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતની
ઓળખ એક ઝડપથી વિકસતા જતા રાજ્ય
તરીકેની ઊભી થઈ છે. પરંતુ સાથે
સાથે એ પણ હકીકત છે કે રાજ્યના 75
ટકા વિસ્તારો પીવાના પાણીની
હાડમારી ભોગવે છે અને જ્યાં પાણી
પૂરતું છે ત્યાં ગુણવત્તા અને
સ્વચ્છતાને લગતા પ્રશ્નો છે.
છેલ્લાં 75 વર્ષમાંથી 26 વર્ષ
દુકાળનાં વર્ષો હતાં અને આટલું
ઓછું હોય તેમ 2001માં આવેલા
ભૂકંપે પાણીવ્યવસ્થાતંત્રને ગંભીર
નુકસાન કર્યું.
વર્ષોથી
એકધારા પ્રયાસો થતા હોવા છતાં પણ
પાણીની અછત વર્તાતી જ રહી છે. આથી
પાણી વિતરણ અને વ્યવસ્થાપનના
અભિગમમાં પરિવર્તન લાવવું જરૂરી
હતું. આ પરિવર્તનના ભાગરૂપે
ગુજરાત સરકારે વૉટર ઍન્ડ સૅનિટેશન
મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન
(વાસ્મો)ની એક સ્વાયત્ત સંસ્થા
તરીકે મે 2002માં સ્થાપના કરી.
વાસ્મો, રાજ્યના ગ્રામવિસ્તારોમાં
લોકો પોતે પોતાની આવડતથી પાણી અને
સ્વચ્છતાની સુવિધાઓ ઊભી કરી તેનું
સંચાલન કરી શકે એટલે તેમને સક્ષમ
બનાવવા કાર્યરત છે.
1993માં
દેશના બંધારણમાં 73મો સુધારો
કરવામાં આવ્યો. એ સુધારામાં ગામમાં પીવાના પાણી
પુરવઠાની સત્તા અને જવાબદારી
ગ્રામ પંચાયતને સોંપવામાં આવી.
પુરવઠા આધારિત, સરકારી માલિકીની
પાણી યોજનાઓના સ્થાને
વિકેન્દ્રિત, લોકભાગીદારીવાળી
યોજનાઓને પ્રોત્સાહન આપવાની
વાત સાથે, 1999માં ભારત સરકારે પીવાના
પાણીના ક્ષેત્રે સેક્ટર રિફોર્મનો
પ્રારંભ કર્યો. જેના અંતર્ગત,
ભારતનાં ગામડાંઓમાં વસતા લોકોને
તેમના ગામની પોતાની પાણી વ્યવસ્થા
અને સ્વચ્છતાની સુવિધાઓ
વિકસાવવાની અને તેનું સંચાલન
કરવાની વધુ સત્તા સોંપવામાં આવી.
આ પહેલોને ગુજરાતમાં નક્કર સ્વરૂપ
આપવાનું કામ વાસ્મોને સોંપાયું.
લોકોની સહભાગીતા એ વાસ્મોની
વિશેષતા છે. વિકાસના તમામ
પ્રયત્નોમાં લોકો કેન્દ્રસ્થાને
હોવા અનિવાર્ય છે. આથી ગામની પાણી
વિતરણ અને સ્વચ્છતાની સુવિધાઓના
વપરાશકર્તાઓ જ તેના માલિક અને
વ્યવસ્થાપક હોય તે પ્રકારની
વ્યવસ્થા ઊભી કરવા વાસ્મો
પ્રયત્નશીલ છે.
કાર્યપદ્ધતિ
ગુજરાતનાં
ગામેગામ લોકો પાણી અને સ્વચ્છતાની
તેમની જરૂરિયાત વિચારી, સમજીને
તેને અનુરૂપ, તેમને સંતોષજનક
સુવિધાઓ વિકસાવવાનું
આયોજન અને અમલ કરી શકે તે
પ્રમાણે સહાયભૂત થવા વાસ્મો
પ્રયત્ન કરે છે. ગ્રામપંચાયતો
અને ગામલોકો સ્થાનિક જળસ્રોતનું
વ્યવસ્થાપન કરી શકે અને પેયજળ તથા
પર્યાવરણીય સ્વચ્છતાની સુવિધાઓ
તૈયાર કરી જાળવી શકે એવી સ્થિતિ
સર્જવાની નેમ સાથે વાસ્મો
ગામલોકોને સક્ષમ બનાવે છે. આ
કામમાં વાસ્મો સ્થાનિક સ્તરે
કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ
મેળવે છે.
ગામલોકો સાથે
મળી ગ્રામસભા યોજીને ગ્રામપંચાયત
હેઠળ બહેનો અને વંચિત વર્ગોની
ભાગીદારીવાળી એક પાણી સમિતિ રચે
છે. પાણી સમિતિના સભ્યો ગામલોકોના
સાથમાં પાણી, સ્વચ્છતા અને
જળસંચયના કામનું આયોજન કરે છે.
દરેક કામ સૌની સહિયારી માલિકીનું
હોવાથી ગામનો દરેક પરિવાર લોકફાળો
આપે છે.
ગામના પાણી
અને સ્વચ્છતા તથા જળવ્યવસ્થાપન
માટેના દરેક કામમાં વાસ્મો સહાયક
બને છે અને લોકોની આવડતનો વિકાસ
થાય તેવા પ્રયત્નો કરે છે. વાસ્મો
ગામની પાણી સમિતિએ નક્કી કરેલા
આયોજનમાં લોકફાળો એકઠો થયા પછી
ખૂટતી રકમની (કુલ ખર્ચના 90 ટકા
સુધીની) નાણાકીય સહાય પૂરી પાડે
છે અને ઇજનેરી માર્ગદર્શન પૂરું
પાડે છે. ગામમાં વ્યક્તિદીઠ
પૂરતું, નિયમિત અને સ્વચ્છ-સલામત પાણી મળે તેવી
વ્યવસ્થાને વાસ્મો પ્રોત્યાહન આપે
છે તથા ગામની આવતાં 30 વર્ષની
સંભવિત વસતિને ધ્યાનમાં લઈને પાણી
અને સ્વચ્છતાની સુવિધાઓ તથા
જળસ્રોતના વ્યવસ્થાપનનું આયોજન
કરવામાં પાણી સમિતિને મદદ કરે છે.
ટૂંકમાં,
વાસ્મો સ્થાનિક લોકસંસ્થાઓની
મદદથી દરેક ગામમાં પેયજળ અને
સ્વચ્છતાની સુવિધાઓની મદદથી સૌનું
જીવનધોરણ ઊચું આવે તેવા
પ્રયાસોમાં ગામલોકોને સંપૂર્ણ
માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે
છે. |