English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | વાસ્મો વિશે | મુખ્ય કાર્યક્રમો
લોકવ્યવસ્થાપિત ઘોઘા પ્રાદેશિક પાણી પુરવઠા અને સ્વચ્છતા યોજના
(ઘોઘા યોજના)
લોકવ્યવસ્થાપિત ઘોઘા પ્રાદેશિક પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમ પ્રાયોગિક ધોરણે નેધરલેન્ડ સરકારની સહાયથી ભાવનગર જિલ્લાનાં 82 ગામોમાં કાર્યરત હતી. ભૌતિક રીતે જૂન 2005માં આ યોજનાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને નાણાકીય હિસાબોની કામગીરી ડિસેમ્બર 2005માં પૂર્ણ થનાર છે.

યોજનાની પૂર્વભૂમિકા

ઓગસ્ટ-1997માં, એક પ્રાદેશિક પાઇપલાઇન આધારિત પાણી યોજના તરીકે શરૂ થયેલી આ યોજના શરૂઆતમાં શેત્રુંજી બંધ આધારિત પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવાની અન્ય યોજનાઓ જેવી જ ઇજનેરી યોજના હતી. પરંતુ સમય જતાં યોજનાની પ્રગતિની સમીક્ષાનાં તારણોના આધારે યોજનાનું સ્વરૂપ બદલવામાં આવ્યું અને લોકો પોતે જેના માલિક હોય, લોકો જ જેને અમલમાં મૂકે અને જેની સારસંભાળ રાખે તેવી પેયજળ અને સ્વચ્છતા યોજનાની પહેલ થઈ. આ ફેરફારનું મુખ્ય કારણ એ હતું કે લોકો જેના આયોજક, વ્યવસ્થાપક અને માલિક હોય તે યોજના ચોક્કસપણે લાંબા ગાળા સુધી લાભદાયી નીવડે. આમ, આ યોજનામાં આવરી લેવાયેલાં ગામોમાં પેયજળ અને સ્વચ્છતાની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન તો થયું જ, તે ઉપરાંત તેના ઘણા લાભ મળે તેવું તેનું માળખું ઘડાયું. આ ગામોના લોકો જળસ્રોતના વ્યવસ્થાપન માટે સક્ષમ બને અને મુશ્કેલીઓના ઉપાય આપમેળે શોધી તેનો અમલ કરીને ગામને પાણીથી હર્યાંભર્યાં, હરિયાળાં, સ્વચ્છ અને બીમારીથી મુક્ત બનાવે તેવી સ્થિતિ ઊભી કરવા માટે આ કાર્યક્રમ હેઠળ પ્રયાસ કરવામાં આવ્યો, જે સફળ રહ્યો.

યોજનાની કાર્યપદ્ધતિ

આ યોજનાની લોકભાગીદારી અને લોકવ્યવસ્થાપનને મહત્ત્વ આપતી કાર્યપદ્ધતિ અનુસાર, ગામમાં ગ્રામપંચાયત દ્વારા પાણી સમિતિની રચના કરીને ગ્રામસભામાં ગામમાં પેયજળ અને સ્વચ્છતા માટે જરૂરી સુવિધાઓ કઈ કઈ છે તે નક્કી કરવામાં આવી. આ માટે જરૂરી ઇજનેરી અને તાંત્રિક સહાય વાસ્મો તરફથી પૂરી પાડવામાં આવી. ગામમાં ગામલોકોને જોઈતી સુવિધાઓ તૈયાર થઈ ગયા પછી તેના સંચાલન, દેખરેખ અને જાળવણીની જવાબદારી પાણી સમિતિની છે. આ યોજનામાં પેયજળની સાથે-સાથે સ્વચ્છતા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ યોજના અંતર્ગત ગામમાં પાણીનો ટાંકો, પશુ માટેના અવેડા, સ્નાનઘાટ, શોષખાડા, સ્ટેન્ડ-પોસ્ટ, ચેકડેમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગામેગામ ગોચર જમીન વિકસાવવા પર પર ધ્યાન ધ્યાન આપવામાં આવ્યું.

આ યોજનામાં ઉત્થાન, મેધાવી અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સ્વૈચ્છિક સંસ્થાઓએ અમલીકરણ સહાયક સંસ્થા તરીકે સાથ આપ્યો. કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલાં 82 ગામમાં મોટા ભાગે પાણી પુરવઠા યોજનાઓ તૈયાર થઈ જતાં લોકોએ તેનું સંચાલન સંભાળી લઈ કાર્યક્રમનો લાભ લેવાનું શરૂ કરી દીધું છે.

આ કાર્યક્રમને પ્રતાપે, ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકા (ભાવનગર તાલુકાનાં 23 ગામ, ઘોઘા તાલુકાનાં 34 ગામ, તળાજા ગામનાં 25 ગામ)ની લગભગ બે લાખની વસતિને ક્લોરિનેશન કરેલું શુદ્ધ પાણી પીવા મળી રહ્યું છે. કાર્યક્રમમાં આવરી લેવાયેલાં ગામોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવી છે. ખાસ તો, અહીંના રૂઢિચૂસ્ત સમાજમાં બહેનો આગળ આવી છે અને લોકો આપબળે પોતાની મુશ્કેલીઓના હલ શોધતા થયા છે.

આ પ્રાયોગિક કાર્યક્રમનાં નોંધપાત્ર અને પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં રાખી, સરકાર દ્વારા રાજ્યના અન્ય ભાગોમાં પણ પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિક્સાવવાની તમામ સત્તા લોકોના હાથમાં મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઘોઘા યોજનાની નોંધપાત્ર કામગીરી

ઘોઘા યોજનાની સિદ્ધિઓ