English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

   
 
 
હોમ | મહત્ત્વના સમાચાર
વાસ્મોની રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળા
 

વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા 28-29 એપ્રિલ, 2006ના એક રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ''સેક્ટર રિફોર્મ -ભૂતકાળના અનુભવોને લઇને ભવિષ્ય તરફ'' વિષય હેઠળની આ કાર્યશાળાનો હેતુ પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે કામ કરતા અને વિવિધ પ્રકારનો અનુભવ ધરાવતા નિષ્ણાતો, સંસ્થાઓ અને સરકારી પ્રતિનિધિઓને એક મંચ પર લાવી અનુભવોની આપ-લેને વેગ આપવાનો હતો.

કાર્યશાળાની શરૂઆતમાં સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી પી. કે. લેહરીએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાત રાજ્યમાં પાણીની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. તેમણે વાસ્મોના પ્રયત્નોને બિરદાવી કહ્યું હતું કે, પેયજળ અને સ્વચ્છતાનાં ક્ષેત્રે લોક ભાગીદારીના અભિગમ સાથે વાસ્મોએ જે પ્રગતિ સાધી છે તેના અનુભવોની અન્ય ક્ષેત્રો સાથે આપ-લે કરી વિકાસની દિશામાં આગળ વધી શકાય છે. તેમણે પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વાસ્મોની પ્રવૃત્તિઓએ સાથે સંકળાયેલ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ તેમના અનુભવોની રજૂઆત કરી હતી.

વાસ્મોનો અભિગમ માંગઆધારિત, લોક વ્યવસ્થાપિત પેયજળ અને સ્વચ્છતા યોજનાનો છે. આ માટે વાસ્મો લોકસમુદાયનું સશક્તિકરણ કરે છે જેથી તે પોતાના ગામની પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને નિભાવણી પોતાની રીતે કરી શકે. વાસ્મો અને અમલીકરણ સહાયક સંસ્થાના પ્રયત્નોને કારણે આજે ગુજરાતમાં ૪,૫૦૦થી પણ વધુ પાણી સમિતિઓ પોતાના ગામની પાણી પુરવઠા યોજનાનું સંચાલન કરી રહી છે. આ ક્ષેત્રમાં મુખ્યત્વે મહિલા સશક્તિકરણ, પાણીવેરાનું માળખું, સ્વચ્છતાની ટેવોનો વિકાસ અને પાણીની ગુણવત્તા વગેરે વિષયો પર ઘણું બઘું કામ કરવામાં આવ્યું છે. કાર્યશાળાને સંબોધતાં સચિવ, પાણી પુરવઠા વિભાગ શ્રી વી. એસ. ગઢવીએ ટકાઉ વિકાસ માટે સમુદાયનાં માલિકીપણાંનાં મહત્વ પર ભાર મૂક્યો હતો.

કાર્યશાળામાં સંસ્થાકીય માળખું અને ભાગીદારી, સમુદાયનું સશક્તિકરણ, જળ સ્રોતોનું વ્યવસ્થાપન, પાણી પુરવઠાની સુવિધાઓ તથા સ્રોતોનું ટકાઉપણું, ટેક્નોલોજીના વિકલ્પો તથા પસંદગી તથા સ્કેલ-અપ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પાણી પુરવઠા સચિવ શ્રી વી. એસ. ગઢવીએ તેમનાં સંબોધનમાં કહ્યું હતું કે વાસ્મોએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારો અનુભવ મેળવ્યો છે અને સમુદાયે વાસ્મોના કાર્યક્રમને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે કારણ કે તે પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે કામ કરે છે. કાર્યક્રમમાં સમયસર નાણાંની ચૂકવણી કરવામાં આવે છે જેનાથી સમુદાયમાં વિશ્વાસ ઊભો કરવામાં સફળતા મળી છે.

સમાપન સત્રમાં પાણી પુરવઠા સચિવ શ્રી વી. એસ. ગઢવી, નેધરલેન્ડ સરકારના પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ , વાસ્મોના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જયપાલ સિંહ, પ્રોજેક્ટ ડિરેકટર શ્રી આર. કે. સામા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ હાજરી આપી હતી. કાર્યશાળામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, સરકારી પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો સહિત ૨૦૦ વ્યક્તિઓ હાજરી આપી હતી.