|
મોટા ભાગે,
ગામડાંમાં ઘરના શૌચાલયની વાત
નીકળે એટલે લોકો નકારમાં માથું
ધૂણાવીને કહે, એની શું જરૂર છે?
ઘરના શૌચાલયથી બીમારી ન ફેલાય,
આપણે ગરીબીના ચક્કરમાં પીસાઈએ
નહીં, માંદા-વૃદ્ધ મા-બાપની સગવડ
સચવાય, બહેન દીકરીની આબરૂ રહે,
નાનાં છોકરાંને ટાઢ, તડકો ને
વરસાદ વેઠવાં ન પડે... આ બધા
લાભની વાત માંડો તો લોકો એક પછી
એક બહાનાં કાઢવા માંડે!
કોઈ સાચી વાત
ધરાર નકારવી હોય તો બહાનાં તો એક
કહેતાં હજાર મળે, પણ એથી કંઈ
હકીકત થોડી બદલાય છે? ઘરઆંગણમાં
સંડાસની સગવડથી લાભ તો એક નહીં
સાત વાર છે. મૂછાળા મરદો ભલે
નકારમાં માથું ધૂણાવે પણ બહેનો
બરાબર જાણે છે સંડાસના લાભ. કોઈ
વાર આવી બહેનો કે સમજદાર વડીલો
સાથે મોકળા મને વાત કરીએ તો સમજાય
કે સૌને સંડાસના ફાયદા તો ગમે છે,
પણ કોઈ ને કોઈ કારણસર સંડાસ બનાવી
શકતા નથી. ચાલો સમજીએ આવાં કારણો
(બહાનાં કહો તો બહાનાં, ગેરસમજ
કહો તો ગેરસમજ) અને તેની સામે એ
વાતની સાચી હકીકત
કારણ-1
''વાત જ
જવા દો,
સંડાસ બનાવવા
માટે અમારી પાસે પૂરતા પૈસા જ
નથી.''
હકીકત
આજે ગામમાં મોટા
ભાગનાં સંપન્ન ઘરોમાં ટીવી,
ફ્રિજ,
સ્કૂટર વગેરે
સગવડો હોય છે,
પણ જાજરૂ નથી
હોતા. એક જાજરૂ બાંઘવા માટે ખરેખર
કેટલા રૂપિયા જોઇએ?
માત્ર રૂપિયા 500
અને વઘુમાં વઘુ ખર્ચી શકો તેટલા.
જો આપણા ઘરમાં દસ સભ્યો હોય તો તે
દરેક સભ્યે દિવસમાં ઓછામાં ઓછા એક
વખત તો કોઇ પણ સમયે કોઇ પણ ઋતુમાં
જાજરૂ માટે બહાર જવું પડે છે. જો
આપણે સભ્યદીઠ રોજનો એક રૂપિયો પણ
બચાવીએ તો રોજના દસ લેખે 365
દિવસના 3650 રૂપિયાની બચત થાય. આમ
આપણે બીજી સગવડોની વાત બાજુએ
રાખીએ,
ફક્ત પાન,
બીડી,
મસાલાને કે અન્ય કોઇ આડા ખર્ચા પર
કાપ મૂકીએ તોય રોજના દસ રૂપિયા
બચાવીને જીંદગીભર ચાલે તેવું
જાજરૂ બનાવી શકીએ છીએ. બોલો,
આમાં હવે પૈસાની
વાત ક્યાં રહી?
કારણ-2
''સંડાસ
બનાવવા જેટલી અમારા ઘરમાં જગ્યા જ
ક્યાં છે?''
હકીકત
આ એક
માનસિકતાનો સવાલ છે. તમે જ વિચારો,
શહેરોમાં જગ્યાની
કેટકેટલી અગવડ હોવા છતાં પણ દરેક
ઘરમાં જાજરૂની વ્યવસ્થા હોય છે કે
નહીં?
આપણે ગામનાં ઘરોમાં તો પૂરતી
મોકળાશ હોય છે. ફક્ત ત્રણ ચોરસ
ફૂટનું ચોખંડું તો ઘરના કોઇ પણ
ખૂણે ઊભું કરી શકાય છે તથા નિકાલ
માટેના ખાડાનું બાંધકામ પણ જમીનની
અંદર જ થતુ હોવાથી તેની જગ્યાનો
બહુ સવાલ ઉભો થતો નથી. માટે જગ્યા
ઓછી છે એવું આપણે તો કહેવાય જ
નહીં.
કારણ-3
''અમારે
બહેનોને તો જાજરૂ જોઇએ છે પણ
પુરુષોને પહેલાં બીજી બાબતોમાં
રૂપિયા ખર્ચવા જરૂરી લાગે છે.''
હકીકત
એક સવાલ પૂછીએ?
સાચો જવાબ આપજો,
જરાય અચકાયા વિના
જે હકીકત હોય એ કહી દેજો - તમારા
ઘરમાં કોનું રાજ ચાલતું હોય છે?
તમારે સાડી લાવવી
હોય,
બંગડી-બુટ્ટી લાવવી હોય કે બીજું
કંઇપણ ખરીદવું હોય તો ઘરના
પુરુષોને કેવું ધીરે રહીને,
અસરકારક રીતે
સમજાવીને મનાવી શકો છો?
જો તમે બીજી
બાબતોમાં તમારુ કામ કઢાવી શકતા
હોવ તો પછી આ તો તમારે માટે સૌથી
વધુ જરૂરની બાબત છે. ખરેખર,
ઘરમાં સંડાસ હોય
એ બહેનો માટે સૌથી મહત્ત્વનું છે.
તમારે હાજતે જવું હોય તો અંધારું
થાય ત્યાં સુધી રાહ જોવી ન પડે,
એ કારણે તમારી
તબિયત બગડે નહીં. તમારે સૌથી
અગત્યના દિવસોમાં પણ સંડાસ હોય તો
કેટલી સગવડ રહે?
તમે એક વાર વાત
ગાંઠે બાંધો,
તો પુરુષોને
મનાવતાં વાર કેટલી?
કારણ-4
''ના
રે ના. ઘરમાં જાજરૂની તો વાત જ ન
કરતા,
આપણા
ઘરમાં જાજરૂ હોય તો વાસ આવે.''
હકીકત
ફરી એક વાર
વિચારો,
ઘરમાં જાજરૂ હોવાથી વાસ આવતી હોય
તો શહેરમાં કોઈ પોતાના નાનકડા
ઘરમાં જાજરૂ શું કામ બનાવેં?
જાજરૂમાં પોખરાની
સાથે પાણીનુ સીલ જોડાયેલુ હોય છે
જે દુર્ગંધને બહાર આવતા રોકે છે.
આપણે રોજે-રોજ આપણું ઘર સાફ કરીએ
છીએ તે જ રીતે જાજરૂ ગયા પહેલાં
અને પછી વ્યવસ્થિત પાણી નાખીએ અને
કાળજી લઇ નિયમિત સંડાસ સાફ કરીએ
તો ક્યારેય વાસ આવતી નથી. ઉલટાનું
બહાર ખુલ્લાંમાં મળત્યાગ કરવાથી
વાતાવરણ પ્રદૂષિત થાય છે.
કારણ-5
''જાજરૂની
અંદર તો અમે બેસી જ ન શકીએ કેમ કે
અંદર ગુંગળામણ થાય છે!''
હકીકત
આવી માન્યતા
આપણામાંથી ઘણા બધા લોકોને હોય છે
પરંતુ આ માન્યતાને વળગી રહીને
જાજરૂનો ઉપયોગ ન કરવાને બદલે જરાક
વિચારીને જાજરૂ બનાવીએ તો કોઇ
તકલીફ રહેતી નથી. જેમ કે,
જો જાજરૂના
બાંધકામ વખતે હવાબારીની
વ્યવસ્થાનો ખ્યાલ રાખવામાં આવ્યો
હોય તો આ સમસ્યા ઉભી નથી થતી.
જેમણે વર્ષો સુધી જાજરૂનો ઉપયોગ
ક્યારેય કર્યો ન હોય તેમને
શરૂઆતમાં જરાક જુદું લાગે,
પણ જરાક ટેવાયા
પછી કોઇ અગવડ પડતી નથી. ઉલટાનું
ઘરઆંગણે જાજરૂ બની જવાથી સગવડમાં
વધારો થાય છે.
કારણ-6
''એ...ઈને
સવારની તાજી હવામાં બહાર હાજતે
જવામાં કેવી મજા આવે!''
હકીકત
લ્યો,
કરો વાત! જ્યારે
તમે ખરેખર ખુલ્લી જગ્યાએ પહોંચો
છો ત્યારે આસપાસમાં જ અન્ય લોકોએ
થોડાક સમય પહેલાં જ મળત્યાગ કરેલો
હોય છે. તમારે આ બધી ગંદકી વચ્ચે
તમારા માટે જગ્યા શોધવાની હોય છે.
આમાં મજાની વાત ક્યાં રહી?
કારણ-7
''મૂળ
મુદ્દાની વાત કરો,
જાજરૂના
બાંધકામનો સામાન ક્યાંથી મેળવવો?''
હકીકત
સામાન તમારા
ગામમાં જ મળી રહે છે. ગામની
અમલીકરણ સહાયક સંસ્થા આ સામાન
મેળવી આપે છે. ભાવનગરના કોળીયાક
ગામે મેધાવી સંસ્થાએ સ્વચ્છતા
માર્ટ (હાટડી) ઊભી કરીને લોકોને
પરવડે તેવા ભાવે માલ-સામાન
મેળવવાની અને જાજરૂના નમુના
જોવાની વ્યવસ્થા કરી છે. આ સંસ્થા
પાસે જાજરૂ બાંધી શકે તેવા કુશળ
કડીયાઓની યાદી પણ છે. તમે પણ
તમારા ગામમાં કાર્યરત સંસ્થાની
મદદ લઈ શકો.
ઘરમાં જાજરૂ
હોવું એ સામાજિક મોભો તો છે જ પણ
એ સાથે સાથે આપણી બહેન દીકરીઓ તથા
મોટીયારો માટે એક સુગમ વ્યવસ્થા
છે તથા આપણા સૌની તંદુરસ્તીની
જાળવણી માટેનું પહેલું પગથીયું
છે. માટે આપણે સૌએ આપણાં બાળકોના
આવનારા ભવિષ્ય માટે બાકી બધી ગેર
સમજો અને બધા બહાનાઓને ઓરે મુકીને
જાજરૂનું બાંધકામ શરૂ કરી દેવું
જોઇએ.
કેટલીક અગત્યની
વાતો
આપણે એક વાત સમજી
લેવી જોઈએ કે જાજરૂ 500 રૂપિયાનું
હોય કે 25000 રૂપિયાનું - આખરે તો
બંને સમાન જ છે. બંનેનો મુખ્ય
હેતુ લોકોને ખુલ્લામાં જાજરૂ જવું
ન પડે તે જ છે. આપણે એ જાણી લેવું
જોઇએ કે આપણને થતા કુલ રોગમાંથી
80 ટકા જેટલા રોગ ગંદા પાણી અને
સ્વરછતાને અભાવે થાય છે. જો આપણે
એક વાર મનમાં ગાંઠ વાળી દઇએ તો
આપણું પોતાનું જાજરૂ બાંધવું
અઘરું નથી.
જાજરૂનું બાંધકામ
બે રીતે થઇ શકે છે. એક કામચલાઉ
રીતે અને બીજું લાંબા ગાળા સુધી
નિરાંત રહે તેવું. શરૂઆતમાં પહોંચ
ઓછી હોય તો જૂના ડબલા કે રબરના
ટાયરનો ઉપયોગ કરીને જાજરૂના ખાડા
જેવી વ્યવસ્થા કરી શકાય. બને
ત્યાં સુધી,
આર્થિક રીતે
પરવડે તેવું હોય તો પાકા બાંધકામ
સાથેનું બે ખાડાવાળું સંડાસ
બાંધવું જેથી એકખાડો ભરાઇ જાય તો
પણ જાજરૂનો ઉપયોગ ચાલુ રહે. જો
બે જુદા-જુદા ખાડા બનાવવાનું શક્ય
ન હોય તો 6 x
3 x 5 નો
વચ્ચે દિવાલવાળો એક મોટો ખાડો
બનાવી શકાય. જો જગ્યાની તકલીફ હોય
તો એક ખાડાવાળું જાજરૂ પણ બાંધી
શકાય છે. |