-
ગ્રામપંચાયત, પાણી સમિતિ અને
ગ્રામસભાને 73મા બંધારણીય સુધારા અને 1993ના ગુજરાત પંચાયતી ધારા
દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ
જવાબદારી સૌ ગામલોકો યોગ્ય રીતે નિભાવી શકે તે માટે તેમને સક્ષમ બનાવવા
વાસ્મો પ્રયત્નશીલ છે. પોતાના ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાની
સુવિધાઓ વિકસાવવા માટે ગ્રામ પંચાયતે સૌથી પહેલાં તો, એક ગ્રામસભા
યોજી, ગ્રામપંચાયત હેઠળ એક પાણીસમિતિ રચવી જરૂરી છે.
-
ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની
રચનામાં સભ્યોની સંખ્યા 10થી 12ની પંચાયત ઠરાવે તેટલી રહેશે.
-
તે પૈકી ગ્રામ પંચાયતના
સભ્યોમાંથી નીચેની વિગતે સરપંચ સહિત પાંચ સભ્યો લેવાના જરૂરી બનશે.
-
સરપંચ-1
-
અનુસુચિત જાતિ/અનુસૂચિત
જનજાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતેપછાત વર્ગ પૈકી - 2 (સરપંચશ્રી જો આ
વર્ગ પૈકીના હોય તો આમાંથી એક જ સભ્ય લઈ શકાય)
-
(1) અને (2)માં જો સ્ત્રી સભ્ય
ન હોય તો એક સ્ત્રી સભ્ય લેવાનું જરૂરી બનશે, બાકીના સભ્યો ઉપસરપંચ
અથવા સભ્યોમાંથી લઈ શકાશે.
-
પંચાયતના પાંચ સભ્યો ઉપરાંત
સ્થાનિક રજિસ્ટર્ડ થયેલી સંસ્થાઓ, સહકારી મંડળી, યુવક મંડળ, ખેડૂત
મંડળ, મહિલા મંડળ વગેરેના પ્રતિનિધિમાંથી બેથી ત્રણ સભ્યો લેવાના રહેશે
(આ સભ્યો તરીકે સ્થાનિક રહેવાસી અને જે તે મતદાર યાદીમાં જેનો સમાવેશ
હોય તેને જ લઈ શકાશે).
-
આ ઉપરાંત બાકી લેવાના થતા સભ્યો
જાહેર પાણી સ્થળના આસપાસના લોકો પૈકી લેવાશે (આ સભ્યો તરીકે સ્થાનિક
રહેવાસી અને જે તે મતદાર યાદીમાં જેનો સમાવેશ હોય તેને જ લઈ શકાશે).
-
કુલ જે સભ્યો લેવાના થાય તે
પૈકીના 1/3 સભ્યો મહિલાઓ રહેશે, જેમાં પંચાયત સભ્યો પૈકીની મહિલા
સભ્યનો પણ સમાવેશ થઈ જશે.
-
કુલ વસતીની અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જનજાતિની ટકાવારી મુજબ બેઠકો અનામત રાખવાની રહેશે, જેમાં
પંચાયત સભ્યોમાંથી જે
સભ્યો સમિતિમાં લેવામાં આવ્યા હોય તે જાતિનો
તેમાં સમાવેશ ગણી લેવાનો છે.
-
જયાં એકથી વધારે મહેસૂલ ગામોની
સંયુકત (જૂથ) ગામ પંચાયત હોય ત્યાં દરેક ગામને વસ્તીના પ્રમાણમાં
પ્રમાણસર બેઠકો મળવી જોઈએ.
-
પાણી સમિતિના અધ્યક્ષ
ગ્રામ પંચાયતના સભ્ય હોવા જરૂરી છે.