|
પાણીમાં ગંદકી કે મળ ભળવાથી તેના દ્વારા સૂક્ષ્મ જીવાણુઓ પાણીમાં ભળે છે અને આવું
પાણી પીવાથી કે રસોઈમાં વાપરવાથી પણ રોગ થઈ શકે છે. તો પીવાનું પાણી પ્રદૂષિત કેવી
રીતે થાય છે તે સમજી લઈએ તો પછી આપણને તેના અટકાવ માટેનાં પગલાં લેવાની સમજ પડે.
પાણીને પ્રદૂષિત કરવામાં સૌથી મોટો ફાળો માનવમળનો છે. આપણા દેશમાં શૌચાલયોના અભાવે
મોટા ભાગના લોકો ખુલ્લામાં સંડાસ જવા બેસે છે. ખુલ્લામાં કરેલ મળત્યાગ વરસાદના પાણી
સાથે તણાઈને નદી, નાળાં કે સરોવરો અથવા નીચે જમીનના પાણીમાં પહોંચે છે. આવું જ આપણે
ખુલ્લામાં ફેંકેલા કચરા, ગંદકી કે ગંદા પાણીનું પણ છે. ઢોરનાં મળમૂત્ર પણ પાણીમાં
ભળે છે.
કૂવા, બોર કે હેન્ડપંપની આજુબાજુ ગંદકી થાય, પાણી ભરાય, ઉકરડા કે કચરાના ઢગલા થાય
તો પણ તે કચરો ધીમે ધીમે નીચે જમીનમાં તરી ભૂગર્ભજળ ગંદું કરે છે. હેન્ડપંપના થાળા,
સ્ટેન્ડ-પોસ્ટ કે પાણીના નળની આજુબાજુ ગંદકી હોય તો તે પણ આપણે જ્યારે પાણી ભરતા
હોઈએ ત્યારે છાંટા ઊડીને કે વાસણના તળિયે ચોંટી છેવટે પાણીમાં ભળે છે. ઘરમાં પાણી
વાપરવાની આપણી રીત બરાબર ન હોય એટલે કે આપણી ટેવો ગંદી હોય તો પણ પાણી પ્રદૂષિત બને
છે. જેમ કે પાણીને ગાળવામાં ન આવતું હોય, ઢાંકેલું રાખવામાં ન આવતું હોય, બાળકો કે
ઢોર ન પહોંચે તે રીતે ઊંચે ન રાખવામાં આવતું હોય કે પછી વાસણ/માટલામાંથી પાણી કાઢવા
ડોયા કે નળનો ઉપયોગ કરવાને બદલે ગંદા હાથ બોળવામાં આવતા હોય તો પાણી પ્રદૂષિત બને
છે અને રોગો ફેલાવે છે.
પ્રદૂષિત પાણીથી કયા રોગ થાય છે ?
ભારત જેવા ગરમીના પ્રદેશમાં 80 ટકા જેટલા રોગો પાણી અને ગંદકીને કારણે ફેલાય છે
એટલે કે દર 10માંથી 8 રોગો પાણી અને ગંદકી સંબંધિત હોય છે. જો આમ જ હોય તો પાણીના
પ્રદૂષણ અને રોગોના ફેલાવા વિષે માહિતી મેળવી તેને અટકાવી શકાય અને આપણે દવાના ખર્ચ
અને દર્દની પીડામાંથી બચી શકીએ. પાણીથી નીચે મુજબ ચાર પ્રકારના રોગો ફેલાઈ શકે છેઃ
- પાણીજન્ય રોગોઃ ક્યારેક પાણી સાથે રોગના જીવાણુઓ આપણા શરીરમાં દાખલ થઈ રોગ પેદા કરે
છે. આવા રોગોમાં કોલેરા કે ઝાડા-ઉલટીના રોગ સૌથી વધુ જોવા મળે છે અને તે ઘણી વાર
જીવલેણ પણ બને છે. આ રોગ ખાસ કરીને ઝાડો-પેશાબ પાણીમાં ભળવાથી ફેલાય છે અને સૌથી
વધુ ભોગ નાનાં (ધાવણાં) બાળકોનો લે છે. આ ઉપરાંત કમળો, ટાઇફોઈડ, પેટમાં ગેસનો
દુઃખાવો અને બાળલકવા જેવા રોગો પણ પ્રદૂષિત પાણી પીવાથી થાય છે.
- પાણીના અભાવે સ્વચ્છતાની ખામીથી થતા રોગોઃ જો પાણીનો અભાવ હોય તો આપણે શરીરની
સ્વચ્છતા જાળવી શકતા નથી અને આથી ચામડી, આંખો કે માથાના વાળના રોગો પેદા થાય છે.
કેટલીક વખત પાણી તો હોય પણ નાહવા-ધોવા કે હાથ-પગ સાફ કરવાની આળસના કારણે પણ આવા
રોગો થાય છે. ટ્રેકોમા અને કન્જન્ટિવાઇટિસ જેવા આંખોના રોગો અને ઊંદરી કે ખોડો જેવા
માથાના વાળના રોગો પણ થાય છે.
- પાણીના સંપર્કથી થતા રોગોઃ પાણીની અંદર ઘણાં જીવજંતુઓ કે મચ્છર પેદા થાય છે.
આવું પાણી આપણે પીવામાં ના વાપરીએ પણ તેના સંપર્કમાં આવીએ તો પણ આવાં જીવડાં કે
મચ્છર આપણને કરડે છે અને રોગ પેદા કરે છે. જેમ કે પગમાં થતો વાળાનો રોગ કે
હાથીપગાનો રોગ તળાવ કે વાવના પાણીમાં રહેલાં જંતુઓ કે મચ્છર પેદા કરે છે.
- જાહેર સ્વચ્છતાના અભાવે થતા રોગોઃ જાહેર સ્વચ્છતાના અભાવે, ગંદકી પાણી સુધી
પહોંચે છે અને પછી એ પાણી પીવાથી કે તેના સંપર્કમાં આવવાથી રોગ પેદા થાય છે. જેમાં
કૃમિ પ્રકારના રોગો મુખ્ય છે. ઉપરાંત મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો પણ ફેલાય છે.
પાણીજન્ય બીમારીઓથી શું નુકસાન થાય છે?
- પીવાના પાણી અને ગંદકીને કારણે થતા રોગોમાંથી ર1 ટકા ચેપી રોગો તો માત્ર દૂષિત
પાણી પીવાથી જ થાય છે.
- દર વર્ષે પ કરોડ લોકો આવી પાણીજન્ય બીમારીઓથી પીડાય છે અને 50 લાખ લોકો દર વર્ષે
આવા રોગથી મરે છે. જેમાં 15 લાખ તો કુમળી વયનાં (પાંચ વર્ષથી નાનાં) બાળકો દર વર્ષે
મરે છે. આમાં પણ સૌથી વધુ ભોગ તો ઝાડા-ઉલટીનો રોગ લે છે.
- દર વર્ષે બીમારીના કારણે સાત કરોડ ત્રીસ લાખ માનવ દિવસ (કામ કરવાના) બગડે છે.
- બીમારીની અસહ્ય પીડા અબાલ વૃદ્ધ સૌને ભોગવવી પડે છે. ડોકટરની દવાનાં મોંઘાં બિલ
ચૂકવવાં પડે છે. કામ ઉપર જઈ ના શકાય એટલે ગરીબ માણસો જે રોજેરોજ કમાઈને જીવતાં હોય
છે તેમની એ દિવસની રોજી ભાંગે છે.
- બાળકો બીમાર હોય તો તેમની નિશાળ/અભ્યાસ બગડે છે.
- જે લોકો માંદાની સારવારમાં રહે છે તેમને ચેપ લાગે, ઉજાગરા થાય અને કામ-ધંધો બગડે
છે. કેટલીક વખત માણસ પથારીમાં ના પડે પણ બીમાર હોવા છતાં કામ કરવા જાય તો સારી
ગુણવત્તાનું કામ થઈ શકતું નથી.
|