English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ  | મારા ગામમાં | પાણીની સુવિધા
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં
 
 

ગામની ભાગોળે અથવા ગામથી થોડે અંતરે જળ સંગ્રહ, ગામ તળાવ, ચેકડેમ, પરકોલેશન ટેંક, રીચાર્જ વેલ વિગેરે દ્વારા ગામના ભૂગર્ભ જળ આધારીત સ્રોતોને ગુણવત્તાની દૃષ્ટિએ તથા પાણીના આવરાની દૃષ્ટિએ મજબૂત કરી શકાય.

ગામનું પાણી ગામમાં એટલે કે ગામ તળાવ તથા ગામ નજીકના ચેકડેમ વિગેરેમાં એકત્ર થાય એ જ રીતે સીમનું પાણી સીમતળાવ, ખેત તલાવડી, સીમના ચેકડેમો અને ગામ પાસેના સ્થાનિક તળાવોમાં પણ એકત્ર થઇ શકે.

તળાવ

સૌરાષ્ટ્ર, કચ્છ અને પાણીની તંગીવાળા અન્ય વિસ્તારોમાં ગામ તળાવો આર્શીવાદરૂપ નીવડે છે. આ તળાવોમાં પાણી ભરાવાથી...

  • વરસાદનું વહી જતું પાણી જે તે ગામમાં સંચય થાય છે.

  • એકત્રિત થયેલ પાણીથી ગામ લોકો માટે નહાવા ધોવાનું, પશુઓ માટેનું તેમ જ ઘરગથ્થું ઉપયોગ કરવામાં આવે છે.

  • ગામના કુવાના પીવાના પાણીના સ્તર ઉંચા આવે છે.

  • તળાવમાંથી નીકળતો કિંમતી કાંપ ખેતરોમાં નાખવાથી જમનની ફળદ્રુપતામાં વધારો કરે છે જેથી ખેતી ઉત્પાદન વધે છે.

  • પાણી સંગ્રહ થવાથી વાનસ્પતિક આવરણ ઉભા થાય છે. જે જમીનનું ઘોવાણ અટકાવે છે અને પર્યાવરણ સુધારે છે.

આ તળાવોમાં પાણીના આવરાની સાથે માટી પણ આવતી હોવાથી તળાવોના પુરાણ પણ થતા રહે છે. આ તળાવોને અવારનવાર ઊંડા કરવામાં આવે તો તળાવની સંગ્રહશકિત જળવાઇ શકે અને બારેમાસ ઢોરને પીવાનું તથા તળાવની બાજુમાં આવેલાં કુવાઓ મારફત પીવાનું પાણી વર્ષ દરમ્યાન મળી શકે. જો તળાવોની ક્ષમતા બે કે ત્રણ વર્ષ સુધી ચાલે તેટલી હોય તેવાં કિસ્સામાં બે - ત્રણ વર્ષ એક વખત તળાવ ભરાય તો પણ કોઇ વર્ષ પીવાનાં પાણી કે અન્ય વપરાશ માટે પાણીની તંગી ઉદ્‌ભવે નહીં. આ કામગીરી લોકસહકારથી સ્થાનિક લોકો દ્વારા સરકારની લઘુત્તમ સહાયથી પણ થઇ શકે તેવી છે.

ચેકડેમ

ચેકડેમ એટલે નદી-નાળામાં વહેતાં પાણીને રોકવા માટેનો આડબંધ. ગામના પાદરે જો કોઇ નદી કે વોકળો, વહેળો કે ઝરણું વહી જતાં હોય તો તેને ચેકડેમ દ્વારા રોકવાથી નાનકડું એવું તળાવ રચાય છે. આ તળાવનું પાણી ધીમે ધીમે ભૂગર્ભમાં ઉતરે છે આથી ભૂર્ગભમાંના પાણીની જળસપાટી ઉંચી આવે છે અને સુકાઇ ગયેલી ડંકીઓ (હેન્ડ પંપ) ચાલુ થાય છે અને કુવાઓમાં પાણી મળતાં થાય છે.

  • વરસાદના વહી જતાં પાણીનો સંચય થાય છે.

  • સંચય થયેલા પાણીનો સિંચાઇ તરીકે ઉપયોગ કરી શકાય છે.

  • આજુબાજુના કુવાના પાણીના સ્તર ઉંચા આવે છે.

  • પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીનો ઉપયોગ થાય છે.

  • જમીનનું ધોવાણ અટકે છે અને બંધમાં રેતીના કણો જતાં રોકે છે અને બંધના આયુષ્યમાં વધારો થાય છે.

  • જળ સંચય થવાથી વાનસ્પતિક આવરણોમાં વ્ધ્ધિ થાય છે અને પર્યાવરણમાં સુધારો થાય છે.

ખેત તલાવડી

સીમનું પાણી સીમમાંના સિંધ્ધાંતને આધારે ખેતતલાવડીઓ જળસંચય માટેનો સારો એવો પર્યાય બની રહે છે. ખેતતલાવડીથી ઘણા ફાયદાઓ થાય છે...

  • વરસાદનું વહી જતું પાણી એકત્ર કરી વરસાદ ખેંચાય ત્યારે પાકને કટોકટીની અવસ્થા દરમ્યાન પિયત આપી જીવતદાન આપી શકાય છે.

  • વહી જતાં પાણીનો તલાવડીમાં સંગ્રહ થવાથી તે જમીનમાં ઊંડે ઉતરે છે જેને કારણે ભૂગર્ભ જળસ્તર અને આજુબાજુના કુવાઓના પાણીના તળ ઊંચા આવે છે અને તેથી સિંચાઇની ક્ષમતા વધે છે અને માનવીની પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ બને છે.

  • વહી જતા પાણી સાથે જમીનનો કસ અને ખાતર ઘસડાઇ જાય છે જે તલાવડીના તળિયે ઠરે છે. આ કાંપનો ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતાની જાળવણી કરી શકે છે.

  • ખેત તલાવડીથી ઢોરોને પીવાના પાણીની સમસ્યા કેટલેક અંશે હલ કરી શકાય છે.

  • ખારાશવાળી જમીનોમાં ખેત તલાવડી કરવાથી જમીનની ખારાશ અમુક અંશે જમીનમાં ઉંડે ઉતરી ભૂર્ગભમાં મીઠા પાણીની આવકમાં વધારો કરી શકાય છે.

  • ખેત તલાવડીની કામગીરીથી સ્વરોજગારી પણ ઉભી થાય છે તેમજ અછત જેવી કુદરતી આપત્તિઓ દરમ્યાન માનવ રોજગારી પુરી પાડી શકાય છે અને આ રીતે લોકોનું જીવનધોરણ પણ સુધારી શકાય છે.

પરકોલેશન ટેન્ક

વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટેનો બીજો એક રસ્તો છે પરકોલેશન ટેન્ક બાંધવાનો. પરકોલેશન ટેન્ક પણ એક પ્રકારે ચેકડેમ જેવું જ બાંધકામ છે. તેમાં વરસાદના પાણીના માર્ગમાં નાના માટીના પાળા બાંધીને કે નાનું તળાવ ખોદીને વરસાદી પાણી જમીનમાં ઊતરે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. વધારાના પાણીને વહી જવા માટે વેસ્ટ વિયર પણ બાંધવામાં આવે છે. આ પ્રકારના બાંધકામમાં તળાવની તળની અને આસપાસની જમીન પાણી તેમાં ઊતરી શકે તેવી છિદ્રાળુ હોવી જરૂરી છે, જેથી ઓછામાં ઓછા પાણીનું બાષ્પીભવન થાય અને વધુમાં વધુ પાણી જમીનમાં ઊતરે.

રિચાર્જ વેલ

વરસાદી પાણીને રોકતાં બાંધકામની આસપાસ રિચાર્જ ટ્યૂબવેલ તૈયાર કરવામાં આવે તો પાણી જમીનમાં ઊતરવાનું પ્રમાણ વધે છે. રિચાર્જ વેલથી તળાવ કે પરકોલેશન ટેન્કમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી સીધું જ ભૂગર્ભમાં ઊતરે છે. આવા કૂવાની ઊંડાઈનો આધાર ભૂગર્ભજળની ઊંડાઈ પર છે. સામાન્ય રીતે રિચાર્જ વેલનો નીચેનો છેડો જળસ્તર કરતાં લગભગ 30 મીટર ઊંડે રાખવામાં આવે છે. ભૂગર્ભમાં કાંપ જતો અટકાવવા તેમાં ગાળણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ભરતી સામે આડબંધ

વરસાદનું પાણી જ્યાં દરિયાને મળતું હોય ત્યાં આડબંધ બાંધવાના બે ફાયદા છે. તેનાથી પાણી બચે છે અને ખારાશ વધતી અટકે છે. ઘોઘા વિસ્તારમાં દરિયાકાંઠે ઘણાં ગામના કૂવાનાં પાણી ખારાં થઈ ગયાં છે. સમય વીતતાં આગળ વધતી ખારાશથી ખેતીની જમીન અને ખેતઊપજ પર પણ વિપરીત અસર પહોંચે છે. આથી નદી કે વરસાદી પાણીનું વહેણ જ્યાં દરિયાને મળતું હોય ત્યાં દરિયાની ભરતીના પાણીને જમીનના ભાગ તરફ ધસી આવતું અટકાવવા માટે આડબંધ બાંધવામાં આવે છે. આવા બંધથી ભૂગર્ભજળ ખારું બનવાનું પ્રમાણ ઘટ્યું છે.