|
પાણી - કુદરતનું અણમોલ વરદાન
પાણી એ પૃથ્વી પરની દરેક પ્રકારની
જીવસૃષ્ટિને ટકાવી રાખનારું એક અતિ મૂલ્યવાન તત્વ છે. સુરક્ષિત પાણી મળે તો જીવન
ગુણવત્તાભર્યું બને છે. ગુજરાતમાં વારંવાર આવતા દુકાળને કારણે ઘણાં ગામોમાં પાણીની
પરિસ્થિતિ વિકટ બને છે. પાણીની માગમાં થયેલો વધારો અને પાણીની સતત કથળતી ગુણવત્તાને
કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત સરકાર આ સ્થિતિમાં પરિવર્તન માટે સતત
પ્રયત્નશીલ છે, પરંતુ માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી. આપણે ગામલોકો આગળ આવીને,
આપણા ગામના સ્થાનિક જળસ્ત્રોતનું સૂઝ-સમજણપુર્વક વ્યવસ્થાપન કરીએ અને વરસાદી પાણીના
ટીપે ટીપાનો સંગ્રહ કરીએ તો આ પ્રશ્ન ઝડપથી ઉકેલાશે.
પાણીની ઉપલબ્ધતા એ ગામની
અર્થવ્યવસ્થા માટે મહત્વની બાબત છે. ચોખ્ખા પાણીની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં
રાખીને, વરસાદના વહી જતાં પાણીને પધ્ધતિસર રીતે રોકીને તેનો લાભકારક રીતે ઉપયોગ
કરવાના પ્રયત્નો હવે ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે. જળસંચયના આ પ્રયાસોથી રાજયના
ઘણા વિસ્તારોમાં પાણીના સ્થાનિક સ્ત્રોત ફરી સજીવન થયા છે. ઉપલબ્ધ પાણીના સંસાધનોને
ઉપયોગમાં લેવાના પ્રયત્નો અને વિકાસની પ્રવૃત્તિઓમાં આપણે ગામલોકો જેટલા વધુ
ભાગીદાર બનીશું તેટલી ઝડપથી લાભદાયી અને અસરકારક પરિણામ મેળવતા થઇશું.
ગામોએ સામાન્ય રીતે સ્થાનિક
જળસંચયના સાધનો પ્રત્યે જાગૃત રહેવું જોઇએ. જેથી કરીને ખૂબ જ દૂરના સ્રોતો ઉપર ઓછો
આધાર રાખવો પડે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નદીઓ, નાળાઓ, વોકળાઓ વગેરે ખૂબ જ
નાનાં, ઓછી લંબાઇના હોય છે અને ભૌગોલિક પરિસ્થિતિ ઢાળવાળી હોઇ વરસાદનાં પાણી જમીન
ઉપર પડયા પછી ખૂબ જ ઝડપથી વહી જતાં હોય છે અને જો પૂરતી માત્રામાં આ વરસાદી પાણીનો
જથ્થો રોકી શકવામાં ન આવે તો છેવટે ચોતરફ આવેલ દરિયાને મળતાં હોય છે.
વહી જતાં વરસાદી પાણીને રોકવા
માટે સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં કામ થઇ રહેલ છે. આ ઉપરાંત બિનસરકારી સંસ્થાઓ પણ
આવી કામગીરી કરવામાં પોતાનો ફાળો આપી રહેલ છે. હવે ગ્રામકક્ષાએ જાગૃતિ આવવા લાગી
હોવાથી મોટા ભાગની કામગીરી ગામનાં લોકો પોતે નાણાકીય ભંડોળ ઊભું કરી સરકારની મદદથી
હાથ ધરી રહયાં છે. આ કામગીરી હવે લોકાભિમુખ થતી જાય છે અને પાણી સંગ્રહ કરવાનો
જુવાળ પ્રજ્જવલિત થયો હોઇ, જળસંચયનાં કામો મોટા પાયે હાથ ધરવામાં આવી રહ્યાં છે.
લોકોએ આ કામમાં પૂરતો સહયોગ આપી શકય તેટલું વરસાદી પાણી રોકવા પ્રયત્નો શરૂ કર્યા
છે.
|