|
ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ મુખ્યત્વે બે
પ્રકારના સ્ત્રોત ઉપર આધારિત હોય છે
1. સ્થાનિક જળસ્રોત આધારિત યોજના
આવી યોજનામાં પાણીનો સ્રોત
ગામમાં જ ઉપલબ્ધ હોય છે, જેમાં મુખ્યત્વે સાદો કૂવો, હેન્ડપંપ કે બોર/ ટ્યૂબવેલ
હોય છે. તળાવના કિનારે ફિલ્ટર કૂવા પણ હોઈ શકે છે. જો બોર કે ટ્યૂબવેલ હોય તો
તેમાંથી પાણી પંપ કરી સીધેસીધું સ્ટેન્ડપોસ્ટ/ નળ વાટે પૂરું પાડવામાં આવે છે
અથવા ઊંચી ટાંકીમાં સંગ્રહ કરી પાઇપલાઇન વડે સ્ટેન્ડપોસ્ટ કે નળ વડે પૂરું
પાડવામાં આવે છે.
2. પાઈપલાઈન આધારિત યોજના
ગામમાં ભરોસાપાત્ર, સારા,
પીવાલાયક પાણીનો સ્થાનિક સ્રોત ઉપલબ્ધ ન હોય તો દૂરના સ્થળેથી પાઇપલાઇન દ્વારા
આવતા પાણી આધારિત યોજના અમલમાં મૂકવામાં આવે છે. જેને આપણે ગ્રામ્ય જૂથ યોજના
કહીએ છીએ. બહારનો આવો સ્રોત નદી ઉપરના ડેમ આધારિત હોય છે અથવા જ્યાં બોર થઈ
શકતા હોય ત્યાં બોર કરી પાઇપલાઇન વડે પાણી લાવવામાં આવે છે. જે દરેક ગામમાં
આવેલી સંગ્રહ ટાંકીમાં લઈ પછી તેનું વિતરણ કરવામાં આવે છે.
પાણી પુરવઠાની યોજનાઓમાં મોટા ભાગે નીચે મુજબના ભાગો હોય છે.
-
સાદો કૂવો જ્યાં
ભૂગર્ભનાં જળ 15 મીટર સુધીની ઊંડાઈએ ઉપલબ્ધ થતાં હોય અને પાણી ઉનાળામાં
સૂકાઈ ન જતાં હોય ત્યાં સાદા કૂવાઓ ઉપયોગી થાય છે.
-
હેન્ડપંપ 60 મીટર
સુધીની ઊંડાઇ સુધીમાં પીવાલાયક પાણી મળી શકે તેવા ફળિયા કે વસાહતોમાં
હેન્ડપંપ આદર્શ ગણાય છે. આ વ્યવસ્થામાં મરામત અને નિભાવણી ખૂબ ઓછી આવે છે.
-
બોર અથવા ટ્યૂબવેલ
જ્યાં ભૂગર્ભ પાણીનાં તળ ઊંડાં હોય અને સાદા કૂવા કે હેન્ડપંપ શક્ય ન હોય
ત્યાં ઊંડા બોર કરવામાં આવે છે. બોરમાંથી પંપ વડે પાણી ખેંચી સીધેસીધું
અથવા સંગ્રહ ટાંકી દ્વારા લોકોને વહેંચવામાં આવે છે.
-
ફિલ્ટર કૂવો
ગામમાં તળાવ કિનારે ફિલ્ટર કૂવો કરી શુદ્ધ પીવાનું પાણી મેળવી શકાય છે.
3. ગામમાં પાણી વિતરણ વ્યવસ્થાના
એકમો
-
પંપ હાઉસ
જરૂરી પમ્પિંગ મશીનરી તથા કંટ્રોલ પેનલ માટે પંપ હાઉસ
જરૂરી હોય છે.
-
પમ્પિંગ મશીનરી
કૂવા કે બોરમાંથી પાણી બહાર કાઢી સંગ્રહ ટાંકીમાં ભરવા માટે અથવા સીધેસીધું
વિતરણ કરવા માટે પમ્પિંગ મશીનરીનો ઉપયોગ થાય છે.
પમ્પિંગ મશીનરીમાં મુખ્યત્વે ત્રણ ભાગો હોય છે.
(1) પંપ
(2) ઇલેક્ટ્રિકલ મોટર અથવા ઓઇલ એન્જિન
(3) પેનલ બોર્ડ
-
રાઈઝિંગ મેઇનપંપની
ડિલિવરી લાઇનથી સંગ્રહ ટાંકી અથવા સીધી વિતરણ પાઈપલાઈનને જોડતી પાઇપલાઇનને
રાઇઝિંગ મેઇન કહે છે.
-
સંગ્રહ ટાંકી
પાણીના સોર્સ એટલે કે કૂવા/બોર અથવા પાઇપલાઇનના પાણીને વિતરણ પહેલાં સંગ્રહ
કરવા માટે ટાંકી બાંધવામાં આવે છે.
ટાંકીઓ ત્રણ પ્રકારની હોય છે.
(1) ઊંચી જગ્યાએ જમીનતળની ટાંકી (એચજીએલઆર)
(2) ઊંચી ટાંકી (ઈએસઆર)
(3) ભૂગર્ભ ટાંકો (સમ્પ)
ગામ નાનું હોય ત્યાં પ્રથમ પસંદગી જમીનતળની ટાંકી અથવા ઊંચી જગ્યાની ટાંકી
હોય છે. આ વ્યવસ્થાથી વિતરણ માટે વધારાની પમ્પિંગ વ્યવસ્થાની જરૂર રહેતી
નથી. ઊંચી ટાંકીઓ ખાસ કરીને દબાણ પેદા કરવા બનાવવામાં આવે છે. જેથી ઊંચા
વિસ્તારોને પણ પાણી પૂરું પાડી શકાય. ગામમાં વીજળી પુરવઠાની અનિયમિતતા હોય
છે તેથી જો પાણી વહેંચવાના સમયે વીજળીપ્રવાહ ઉપલબ્ધ ન હોય તો પણ સંગ્રહ
ટાંકીના પાણીથી સમયસર વિતરણ થઈ શકે છે.
-
વિતરણ વ્યવસ્થા
સમ્પ અને ઊંચી ટાંકી જેવા પાણીના સંગ્રહસ્થાનથી કે બોર/ કૂવામાંથી પાણી
સ્ટેન્ડપોસ્ટ કે ઘરના નળ સુધી લઈ જવા ગોઠવેલી પાઇપલાઇનને વિતરણ વ્યવસ્થા
કહે છે. આ પાઇપલાઇન જમીનની નીચે દટાયેલી રહે છે અને તેના ઉપર પાણીના વિતરણ
અને નિયંત્રણ માટે વાલ્વ મૂકવામાં આવેલા હોય છે (યોગ્ય નિભાવણી માટે વિતરણ
પાઈપલાઈનનો નક્શો હંમેશા સાચવી રાખવો જરૂરી છે).
-
પાણીના વપરાશ માટેની
વ્યવસ્થા
1. સ્ટેન્ડ પોસ્ટ (જાહેર નળ)
2. ઘર કનેક્શન
3. અવાડો - ઢોરોને પાણી પીવા માટેની વ્યવસ્થા
4. સ્નાનઘાટ – લોકો યોગ્ય ઉપયોગ, વ્યવસ્થા અને સાચવણી કરી શકે ત્યાં મહિલાઓ
માટે સ્નાન તથા કપડાં ધોવાની સુવિધા
|