|
આપણે સૌ જાણીએ
છીએ કે આપણો દેશ ગામડાંનો દેશ છે. આપણી કુલ વસતિમાંથી પોણા ભાગની વસતિ ગામડાંમાં
વસે છે. વર્ષ 2001ની વસતિગણતરી મુજબ, દેશમાં ગામડાંમાં વસતા પરિવારોમાંથી માત્ર
22.8 પરિવારોના ઘરમાં સ્નાનઘરની સુવિધા છે. શહેરમાં આ પ્રમાણ 70.4 ટકા જેટલું ઊંચું
છે. ગામડાંમાં કુલ 78.1 ટકા લોકોના ઘરમાં કોઈ પ્રકારનું શૌચાલય નથી. એટલે કે દેશના
ગ્રામ્ય વિસ્તારોમાંથી માત્ર પાંચમા ભાગના લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે. ગામડાંમાં
જ, 65.8 ટકા ઘરોમાં ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.
ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં સ્વચ્છતાની
સ્થિતિ ખુશ થવા જેવી
નથી. ગુજરાતનાં
ગામડાંમાં માત્ર 31.4
ટકા ઘરોમાં સ્નાનઘર
છે. ગામડાંમાં જ,
78.3 ટકા ઘરોમાં કોઈ
પ્રકારનાં શૌચાલય
નથી. 86.3 ટકા ઘરોમાં
ગંદા પાણીના નિકાલની
વ્યવસ્થા નથી. એક વાર
ફરી આ આંકડાઓ પર નજર
નાખી જૂઓ એટલે તેની
ગંભીરતા સમજાશે.
સમગ્ર
ભારતમાં કુલ ફક્ત 18.02 ઘરોમાં
પાણીબંધ જાજરૂ છે. પાણીબંધ
શૌચાલયોના ઉપયોગની દૃષ્ટિએ
ગુજરાતનો આખા ભારતનાં બધાં
રાજ્યોમાં છેક નવમો નંબર છે.
પ્રથમ અને બીજા ક્રમે
કેન્દ્રશાસિત વિસ્તારો અનુક્રમે
લક્ષદ્વીપ અને ચંડીગઢ છે.
લક્ષદ્વીપમાં કુલ 82.36 ટકા
ઘરોમાં અને ચંડીગઢમાં 68.32 ટકા
ઘરોમાં શૌચાલયો છે. મોટા
પ્રમાણમાં ગ્રામવિસ્તાર ધરાવતું
કેરળ રાજ્ય પણ ગામડાં અને
શહેરોમાં મળીને કુલ 65.19 ટકા
ઘરોમાં શૌચાલય સાથે આ યાદીમાં
ત્રીજા નંબરે છે. આ બધાની સામે
ગુજરાતમાં કુલ માત્ર 31.09 ટકા
ઘરોમાં પાણીબંધ શૌચાલય છે. આપણે
એટલું આશ્વાસન લઈ શકીએ કે બિહાર
અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં
આ પ્રમાણ માત્ર 7-8 ટકા જેટલું
છે. પરંતુ, આપણે આ પછાત રાજ્યોને
અનુસરવું છે કે કેરળ જેવા
પ્રગતિશીલ રાજ્યના પગલે ચાલવું
છે?
આ ફક્ત આંકડા નથી. એક રીતે જોઈએ તો આપણા દેશની, આપણા રાજ્યની,
સૌ લોકોના આરોગ્યની, આપણા ભવિષ્યની આ આરસી છે. વાત માત્ર શૌચાલયના ઉપયોગની પણ નથી -
વાત સર્વાંગી સ્વચ્છતાની છે. આપણું રાજ્ય તો દેશનું સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય ગણાય
છે. ઉદ્યોગોની દૃષ્ટિએ તો આપણે આખા દેશનું જાણે પાવરહાઉસ છીએ. શિક્ષણના ક્ષેત્રે
દેશની મોખરાની શૈક્ષણિક સંસ્થાઓ આપણા રાજ્યમાં છે. ગ્રામસેવા શિક્ષણના ક્ષેત્રે પણ
આપણા રાજ્યમાં નમૂનારૂપ સંસ્થાઓ છે. છતાં આવી સ્થિતિ કેમ છે?
આપણા ગામનું
ચિત્ર
આપણા કોઈ પણ
ગામની વાત લો. સવારના પહોરમાં શું
જોવા મળે? આપણે સૌ ગામલોકો
ખુલ્લામાં સંડાસ જઈએ છીએ. કોઈ
પાદરમાં ઝાડની આડશ શોધે છે તો કોઈ
ખેતર કે તળાવની પાળે જઈને બેસે
છે. કોઈ વળી એ પણ જોતું નથી કે
નજીકમાં પીવાના પાણીનો કૂવો છે.
સરવાળે થાય છે શું? આપણા જ ગામના
પીવાના પાણીના સ્રોત પ્રદૂષિત થાય
છે. સરખી આડશ શોધવા જતાં આપણે
બીજા ગામલોકોના મળને ખૂંદતા જઈએ
છીએ. પરિણામે કોઈનો રોગ, કોઈનો
ચેપ આપણે આપણા ઘરે લઈ આવીએ છીએ.
ઘરે શું
સ્થિતિ હોય છે? આપણને સૌને સફાઈ
તો પસંદ છે એટલે ઘર મોટા ભાગે
વાળી-ઝૂડીને ચોખ્ખું રાખીએ છીએ,
પણ ઘરનો કચરો શેરીમાં ઠાલવી દઈએ
છીએ. રસોડા કે નાવણીયામાંથી
નીકળતું ગંદું પાણી સીધું જ
શેરીમાં વહાવી દઈએ છીએ. ઘર
ચોખ્ખું પણ શેરીમાં ફળિયા આખાની
ગંદકી ઠલવાય. આપણા ગામની શાળાઓમાં
પણ સ્થિતિ બહુ વખાણવા જેવી હોતી
નથી. ત્યાં તો મોટા ભાગે શૌચાલયનો
અભાવ એટલે છોકરાંને કાં તો
ખુલ્લામાં હાજતે જવું પડે અથવા
હાજત રોકી રાખીને બિમારીનો ભોગ
બનવું પડે. આમાં કિશોરાવસ્થામાં
પહોંચેલી દીકરીની શી હાલત થાય એ
વિચારો. ના છૂટકે બીચારીને ભણતર
મૂકી દેવું પડે.
ગામમાં જુઓ
તો ઠેર ઠેર ગંદકીના ઢેર જામ્યા
હોય. ઉકરડો ગામની બહાર શા માટે ન
હોય? પાનની દુકાને જુવાનિયાઓનાં
ટોળાં ઊભાં હોય પણ કોઈને એટલો
વિચાર ન આવે કે ગુટકા કે પાન
ખાઈને પ્લાસ્ટિકની કોથળી નાખવા
માટે એક નાનો ડબ્બો મૂકીએ. આખા
ગામમાં પાન-મસાલા કે નાસ્તાનાં
પડીકાંની કોથળીઓ ઊડતી રહે ને
ગામનું મહામૂલું પશુધન એના ડૂચા
ચાવીને માંદું પડે.
પરિવર્તનની
જરૂર
આપણાં કૂમળાં
બાળકોને કોઈના મળમાંથી ચેપ લાગે
અને એને પોલિયો થાય એવી સ્થિતિ
આપણને ગમે છે? વ્દ્ધ મા-બાપની
તકલીફો આપણને કેમ દેખાતી નથી?
બહેન-દીકરીની ઇજ્જત આપણી ઈજ્જત
નથી? કચ્છમાં ભૂકંપ પછી, વિદેશના
એક મહાનુભાવ કચ્છની મુલાકાતે
આવ્યા હતા. રાતના સમયે ગામડાંના
રસ્તેથી એમને કાફલો પસાર થતો હતો
ત્યારે રસ્તાના છેડે એમણે ઘણી
બહેનોને ઊભેલી જોઈ. મહાનુભાવ ખુશ
થયા કે આટલી મોડી સાંજે પણ લોકો
મારી રાહ જોતા ઊભા છે! હકીકત એ
હતી કે બહેનો રાત ઢળતાં રસ્તાના
છેડે હાજતે બેઠી હતી, પણ વાહનોનું
અજવાળું આવતાં ઝપાટાભેર ઊભી થઈ ગઈ
હતી. આ આપણું સહિયારું કલંક નથી?
આપણી મા, પત્ની કે દીકરી માટે
ફક્ત ત્રણ-સાડા ત્રણ હજાર રૂપિયા
માગતું શૌચાલય આપણે બનાવી ન શકીએ?
ગરીબ પરિવારોની મુશ્કેલી આપણે
સમજી શકીએ, પણ મેડીબંધ મકાનોમાં
પણ શૌચાલય ન હોય એ કેવું?
લોકો સામાન્ય
રીતે એવી દલીલ કરતા હોય છે કે
પૂરતું પાણી નથી એટલે શૌચાલય
ક્યાંથી બનાવીએ? પરંતુ હવે તો
મળનિકાલ માટે બહુ ઓછા પાણીની જરૂર
પડે એવાં છતાં તદ્દન સસ્તાં
શૌચાલયો વિકસાવવામાં આવ્યાં છે.
એનો લાભ કેમ ન લઈએ?
શું કરી
શકાય?
આ સ્થિતિમાં સમૂળગું
પરિવર્તન લાવવું હોય
તો? લોકોમાં
સ્વચ્છતાનો આગ્રહ ઊભો
કરવો જોઈશે. અત્યારે
આપણે સ્વચ્છતાની જે
સ્થિતિ છે તેનાથી
લગભગ ટેવાઈ ગયા છીએ.
સંપૂર્ણ સ્વચ્છતાના
લાભ બરાબર સમજીને
આપણે ગામલોકોમાં
સ્વચ્છતાની જરૂર ઊભી
કરીએ તો ચોક્કસ
સ્થિતિમાં પરિવર્તન આવશે. ગામેગામના
લોકોમાં, બાળકોમાં
સ્વચ્છતાની સમજ
કેળવાશે અને તેઓ પોતે
સ્વચ્છતા માટે સભાન
બનશે, એ માટે મક્કમ
નિર્ધાર કરશે તો
ચોક્કસ પરિણામ મળશે.
શરૂઆત બાળકોથી થવી
જોઈએ. આપણાં બાળકો
દરરોજ નહાય, માથાના
વાળ વ્યવસ્થિત રીતે
ઓળે, સ્વચ્છ ધોયેલાં
કપડાં પહેરે, નખ
કાપે, દાંતની સફાઈ
કરે...હવે તો પાણી
ઉપલબ્ધ છે, પછી એવું
કયું કારણ છે કે આવું
નિયમિત રીતે થઈ ન
શકે? કિશોરીઓ અને
મહિલાઓ માસિક દરમિયાન
સ્વચ્છ કપડાનો કે
બજારમાં મળતા ઓછા
ભાવના પેડનો ઉપયોગ
કરે તો છેવટે
બીમારીના આકરા
ખર્ચમાંથી આપણે જ
બચીશું. આપણે આપણા
શરીરને અને ઘરને
સ્વચ્છ રાખીએ.
ઘરમાંથી નીકળતા ગંદા
પાણીના નિકાલ માટે
શોષખાડા બનાવીએ.
ગામની શેરીઓની નિયમિત
સફાઈ થાય તેનું ધ્યાન
રાખીએ, ગામના ઉકરડા
ગામથી દૂર રાખીએ, કોઈ
જગ્યાએ ગંદા પાણીનો
ભરાવો ન થવા દઈએ... આ
બધું આપણા હાથમાં જ
તો છે. |