English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગુજરાતની વાત |
ગુજરાતમાં જળપરિવર્તન
 
 

ગુજરાતમાં જળક્ષેત્રે સહિયારી શક્તિથી એક વિરાટ પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતના સ્થાપના સમયથી મોટા ભાગે આપણે સતત દુકાળ, પાણીની અછત, પાણીની ગુણવત્તાની સમસ્યાઓ વગેરેનો સામનો કરવાના અભિગમથી પ્રયાસશીલ રહ્યા, પરંતુ છેલ્લા થોડા સમયથી આ વલણમાં એક બહુ મોટો અને હકારાત્મક બદલાવ આવ્યો છે. હવે પાણીની મુશ્કેલી દૂર કરવાના ઝોકથી આગળ વધીને આપણે પાણીની સંપૂર્ણ સંતોષજનક સ્થિતિ ઊભી કરવાના ધ્યેય ભણી આગળ ધપી રહ્યા છીએ - અને આ માટે આખરી સત્તા, આખરી નિર્ણય સોંપાયો છે સ્થાનિક લોકોને. જે લોકો પાણીના વપરાશકાર છે તેઓ જ પાણીની સુવિધા કેમ ઊભી કરવી, તેને કેમ સંભાળવી, તેને કઈ રીતે વધુ સારી સ્થિતિમાં લઈ જવી એને લગતું આયોજન કરે છે અને અમલ કરે છે. 

 
 
 

આ પરિવર્તનનું સૌથી મોટું પ્રેરકબળ રહ્યું છે આપણી સહિયારી શક્તિ. લોકો હવે સજાગ અને સક્રિય થયા છે. સાથોસાથ સરકારનાં જુદાં જુદાં અનેક ખાતાં અને વિભાગોએ પરસ્પર સંકલન સાધીને એક વત્તા એક અગિયાર થાય તેમ એકમેકના કામમાં પૂરક બને તેવું દૂરંદેશીપૂર્ણ આયોજન કરી ઝડપભેર અમલ શરૂ કર્યો છે.આપણે જાણીએ છીએ કે ગુજરાત તેની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જુદા જુદા વિસ્તારોમાં અસમાન અને અનિયમિત વરસાદને કારણે પાણીની મુશ્કેલીઓનો સામનો કરતું આવ્યું છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ જ મુશ્કેલીઓ કે પ્રતિકૂળ સંજોગોને આપણી શક્તિમાં પલટવાના પ્રયાસો હાથ ધરાયા છે.

સૌથી પહેલાં રાજ્યના પ્રત્યેક ગામના પાદર સુધી પૂરતું, સ્વચ્છ અને નિયમિત પીવાનું પાણી મળે એ માટે જે વિસ્તારોમાં પાણી વધુ માત્રામાં ઉપલબ્ધ છે, ત્યાંથી અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે મહાભગીરથ પગલાં લેવાયાં છે. તે ઉપરાંત રાજ્યમાં પાણીની નબળી ગુણવત્તાથી પીડાતાં ગામોમાં ફ્લોરાઈડ, ક્ષાર અને નાઈટ્રેટની સમસ્યાના કાયમી નિરાકરણ માટે શ્રેણીબદ્ધ શુદ્ધીકરણ પ્લાન્ટ્‌સ ઊભા થયા છે અને વધુ ઊભા થઈ રહ્યા છે. પાણીના ગામની અંદર વિતરણ માટે ગામલોકો, ખાસ કરીને બહેનો તેમની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ આયોજન, અમલ કરી શકે તે માટે તેમને પૂરતું પ્રોત્સાહન અને ઇજનેરી તથા આર્થિક સહાય આપવાનું માળખું ગોઠવાયું છે. પાણી મળવાની સાથે લોકો સ્વચ્છતા તરફ સભાન થાય, ગામમાં અને શાળામાં સ્વચ્છતાની સુવિધાઓ ઊભી કરવામાં આવે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આપણે ફક્ત પાણી નહીં, શુદ્ધ પાણી મેળવવાનો આગ્રહ રાખતા થઈએ તે સૌથી જરૂરી છે. રાજ્ય સરકારનો પ્રયાસ દરેક ગામને શુદ્ધ, નિયમિત અને પૂરતા પાણીનો પૂરક સ્રોત પૂરો પાડવાનો છે. ગામની અંદર, યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવાય અને લોકોમાં શુદ્ધતા-સ્વચ્છતાનો આગ્રહ કેળવાય તો જ આ પ્રયાસો પાછળની સાચી ભાવના સાકાર થઈ શકે. કેમ કે, સરકાર તરફથી સંપૂર્ણ શુદ્ધ પાણી મળે, પરંતુ ગામની અંદર વિતરણ વ્યવસ્થા યોગ્ય ન હોય કે લોકોમાં પાણીની ગુણવત્તા બગડે નહીં તેની કાળજી લેવાની સુટેવો ન હોય તો ઘરના કરોડના ખર્ચે ગામના પાદર સુધી પહોંચેલું શુદ્ધ પાણી, છેક ગામની અંદર કે ઘરના માટલામાં પહોંચી પણ પ્રદૂષિત થઈ શકે છે.

ગામના સ્થાનિક સ્રોત પણ અત્યંત મહત્ત્વના છે. કદાચ ગુણવત્તાની દૃષ્ટિએ આ સ્રોતનું પાણી ઉતરતી કક્ષાનું હોય તો તેનો ઉપયોગ પાણીના પીવા અને રાંધવા સિવાયના અન્ય વપરાશ માટે થઈ શકે. એ રીતે, ગામના સ્થાનિક સ્રોત ઉપયોગી રહેશે તો બહારથી લાવવામાં આવતા શુદ્ધ પાણી પરનું ભારણ પણ ઘટશે. આ કારણે, ગામમાં પાણીની કાયમી સલામતી ઊભી કરવા માટે સ્થાનિક સ્રોતની સંભાળ અનિવાર્ય છે.

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગ્રામ વિકાસ વિભાગ, વન વિભાગ, આદિવાસી વિકાસ વિભાગ, ખેતી અને સહકાર વિભાગ, વાસ્મો વગેરે દ્વારા જુદા જુદા સ્તરે અને પ્રકારે જે પગલાં લેવાઈ રહ્યાં છે તેને એકસાથે મૂકીને જોઈએ તો ગુજરાતની નવી દૂરંદેશીપૂર્ણ અને આશાજનક જળદિશા સ્પષ્ટ થાય છે. હવે ખરેખર એવું કોઈ કારણ નથી જેને કારણે આપણે પીવાના કે સિંચાઈના પાણીની મુશ્કેલી વેઠવી પડે કે સ્વચ્છતાના અભાવે બીમારી અને ગરીબીના વિષચક્રમાં ીંસાવું પડે.

ગુજરાતમાં જળપરિવર્તનની એક ઝાંખી

  • ગુજરાતમાં પાણીના ક્ષેત્રે સંપૂર્ણ સત્તા હવે લોકોના હાથમાં. ગ્રામપંચાયત/ પાણી સમિતિઓને પૂરતી આર્થિક અને ઈજનેરી સહાય દ્વારા ગામલોકો પોતાની પાણી યોજના ઊભી કરી શકે તેવી સ્થિતિનું સર્જન.
  • લોકભાગીદારી અને લોકો દ્વારા સેક્ટર રિફોર્મ (રાજ્ય), સ્વજલધારા કાર્યક્રમ અને બાહ્ય સહાયિત યોજનાઓ હેઠળ ગ્રામપંચાયત તથા પાણી સમિતિના માધ્યમથી 3300 જેટલાં ગામોમાં પાણી અને સ્વચ્છતાની સુવિધાઓની કામગીરી.
  • રૂપિયા 6223 કરોડના ખર્ચે રાજ્યના દસ સૌથી વધુ અછતગ્રસ્ત જિલ્લાઓમાં જળસંચય તથા પીવાના પાણી અને સિંચાઈની યોજનાઓ માટે સુજલામ્‌ સુફલામ્‌ યોજનાનું આયોજન અને ઝડપથી અમલીકરણ.
  • રાજ્યમાં પાછલાં ત્રણ વર્ષમાં 60,000થી વધુ ચેકડેમ, 1,50,000થી વધુ ખેતતલાવડી, 13,000 તળાવ અને 18,000 બોરીબંધનું નિર્માણ.
  • ગુજરાતમાં પ્રત્યેક ગામને પૂરતું, સ્વચ્છ અને નિયમિત પાણી પૂરું પાડીને દુકાળને ભૂતકાળ બનાવી દેતું નક્કર આયોજન. રાજ્યનાં 14,000 ગામો અને 154 નગરોમાં પાઈપથી પાણી પહોંચાડવાનું આયોજન. સમગ્ર રાજ્યવ્યાપી પાણીયોજનાઓનું નેટવર્ક/ ગ્રીડ તૈયાર કરવાનું આયોજન.
  • ગુજરાત હવે ટેન્કર મુક્ત રાજ્ય બની રહ્યું છે. વર્ષ 2002-03માં જ્યાં 3961 ગામમાં ટેન્કરથી પાણી આપવું પડ્યું હતું, પરંતુ વર્ષ 2003-04માં માત્ર 600 ગામમાં ટેન્કરથી પાણી આપવું પડ્યું હતું.
  • સરદાર સરોવર નહેર આધારિત પીવાના પાણીની પુરવઠા યોજનાનું સૌથી વધુ ઝડપે અમલીકરણ. કુલ 2700 કિલોમીટરની પાઈપલાઈનમાંથી 1343 કિલોમીટરનું કામ પૂરું. એ સાથે જ કુલ 1794 ગામ અને 52 નગરોમાં નર્મદાનાં પાણી પહોંચી ગયાં છે. નર્મદા બંધની ઊંચાઈ 110.64 મીટર સુધી પહોંચી ગઈ છે અને 121.92 મીટર સુધીની ઊંચાઈ માટે આયોજન થઈ ગયું છે.
  • આદિવાસી વિસ્તારોમાં પાણીની સલામતી માટે મોટા પાયે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા.
  • ફ્લોરોસિસ જેવી પાણીની ગુણવત્તાને લગતી સમસ્યાઓના ઉપાય માટે કેન્દ્ર સરકારના સહયોગમાં રાષ્ટ્રીય ફ્લોરોસિસ નિવારણ કેન્દ્ર ઊભું કરાઈ રહ્યું છે. તેની સાથે દરેક જિલ્લામાં ફ્લોરોસિસથી રોગનાં નિદાન કેન્દ્રો પણ ઊભાં કરવાનું આયોજન થઈ રહ્યું છે.