English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગુજરાતની વાત |
આપણો સમૃદ્ધ જળવારસો
 

લોકોની આગવી કોઠાસૂઝથી પાણીનું દૂરંદેશીભર્યું વ્યવસ્થાન થતું હોય એવો બહુ સમૃદ્ધ વારસો ગુજરાત પાસે છે. કાળક્રમે નવી ટેકનોલોજી આવતાં આપણે આપણા વારસાની અવગણના કરવા લાગ્યા. જોકે સદ્‌નસીબે, ગુજરાતમાં હજી ખૂણેખાંચરે આપણા જળવારસાને સાચવવાના પ્રયાસો જોવા મળે છે. જૂના જમાનામાં પીવાના પાણીના સંગ્રહ અને ઉપયોગ માટેના જે કોઠાસૂઝભર્યા પ્રયાસો અને રીતરિવાજો પ્રચલિત હતાં તેમાં થોડા ઊંડા ઉતરીએ તો બહુ રોમાંચક વાતો જાણવા મળે છે.

ધોળાવીરાનું અનેરું જળઆયોજન

ગુજરાતમાં કોઠાસૂઝભર્યા જળવ્યવસ્થાપનની ગૌરવશાળી પરંપરા તો સૈકાઓ જૂની છે. ગુજરાતના કચ્છના ઉત્તર ભાગમાં આવેલા ધોળાવીરામાં પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન સિંધુ ખીણની સંસ્કૃતિના સમયનું આખું નગર મળી આવ્યું છે. તેમાં નગર આયોજન ઉપરાંત, તે સમયની અદભુત જળવ્યવસ્થા પણ જાણવા મળી છે. વરસાદનું પાણી નકામું વહી ન જાય તે માટે ધોળાવીરાના નગરજનોએ એ સમયમાં બંધ બાંધ્યા હતા. આ બંધના કારણે રોકાતું પાણી નહેરોમાં વાળીને વિશાળ જળસંગ્રહ માટે બાંધેલા વિશાળ કૂંડમાં જમા કરવામાં આવતું. આવો એક સૌથી મોટો કૂંડ 263 ફૂટ લાંબો, 39 ફૂટ પહોળો અને 24 ફૂટ ઊંડો હતો. આ કૂંડ તેની ચોતરફના કૂવાઓ સાથે સંકળાયેલા હતા, જેમાંનું પાણી પીવા માટે અને અન્ય વપરાશમાં લેવામાં આવતું. આ બતાવે છે હજારો વર્ષ પહેલાંથી ગુજરાતમાં જળસંગ્રહનું સાદું છતાં અત્યંત અસરકારક ઈજનેરી કૌશલ લોકોમાં હતું.

વીરડા

મોટા ભાગે ઉનાળાની શરુઆત સાથે જ, પ્રજાને પાણી પહોંચાડવાની સરકારી તંત્રની 'નિષ્ફળતા' દર્શાવવા માટે અખબારોમાં ખાડામાંથી પાવલે પાવલે પાણી ભરતી મહિલાઓની તસવીરો ચમકવા લાગે છે. આ કારણે, લોકો મજબૂરીથી આવા ખાડા એટલે કે વીરડા ખોદે છે એવી છાપ આપણા માનસમાં ઘર કરી ગઈ છે. હકીકત જુદી જ છે. વીરડા એ તો કચ્છના માલધારી લોકોના વરસાદી પાણીના સંગ્રહના પેઢીઓ જૂના જ્ઞાનનું પ્રતીક છે. કચ્છના મોટા રણના એક ભાગ સમા બન્નીનાં મેદાનોમાં વિચરતા માલધારીઓ અફાટ રણ જેવા પ્રદેશમાં પીવાનું પાણી ક્યાંથી લાવે? કુદરત સાથે એકરંગ થઈને જીવતા આ લોકોએ ઉકેલ કુદરતમાંથી જ શોધ્યો.

બન્નીનાં મેદાનો લગભગ સપાટ છે, પરંતુ ચોમાસામાં વરસાદી પાણીના થોડા ઘણા વહેણથી જે ભાગમાં નીચાણ થાય ત્યાં માલધારો છીછરા ખાડા ખોદે છે. થોડા થોડા અંતરે ખોદેલા આવા વીરડા વરસાદનું પાણી જમીનમાં સંઘરે છે. અહીં જમીનના તળમાં ખારું પાણી છે, પણ ખારા પાણી અને તાજા વરસાદી પાણીમાં ઘનતાનો તફાવત હોવાથી તાજું વરસાદી પાણી ઉપરના ભાગમાં સચવાઈ રહે છે. ચોમાસા પછીના ગાળામાં માલધારીઓ વધુ વીરડા ખોદી જ્યારે જરુર પડે ત્યારે મીઠું પાણી મેળવે છે. માલધારીઓની પેઢી દર પેઢી આ કોઠાસૂઝનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ હવે પાઈપમાંથી મળવા લાગતાં વીરડા ભૂલાતા જાય છે. બન્નીમાં એક સમયે ચાલીસેક પ્રકારનાં ઘાસ થતાં, હવે માંડ સાત-આઠ જાત બચી છે. કુદરતનું સંતુલન ખોરવાતાં વીરડામાં વરસાદી પાણીનો સંગ્રહ પણ ઘટ્યો છે.

પાણી પુરવઠાની આધુનિક પદ્ધતિઓમાં પૂરક નીવડી શકે તેવી આ અદ્‌ભુત પદ્ધતિનું મહત્ત્વ સમજી આપણે તેનું જતન નહીં કરીએ તો વખત વીતતાં વીરડા ખરેખર પ્રજાની હાડમારીનું જ પ્રતીક બની જશે.

વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા

ગુજરાતનાં ઘણાં ખરાં પ્રાચીન શહેરોમાં ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભટાંકા પ્રચલિત હતા. જૂની બાંધણી મુજબ, મકાન નીચે ભૂગર્ભમાં ઘરનો લગભગ અડધોઅડધ જગ્યા રોકી લેતું એક પાણીનું ટાંકું રહેતું. મકાનની મોટી અગાશીમાં ધોધમાર વરસાદ ઝીલાય અને છત પરનાં નળિયાં પરથી દડતું પાણી એમાં ઉમેરો કરે. અગાશીમાંથી વરસાદનું બધું જ પાણી સીધું પાણિયારામાં ખૂલતા ટાંકામાં ઉતરે. ટાંકાની સ્વચ્છતાનું મહત્ત્વ એટલું કે પરિવારના નાના-મોટા સૌ કોઈ નાહ્યા પછી જ પાણિયારામાં પ્રવેશી શકે.

આ છે આપણો જળવારસો. વરસાદના પાણીનું મહત્ત્વ તો ખરું જ, સાથે એની સ્વચ્છતાનો મહિમા પણ ખરો. વરસાદી પાણીના સંગ્રહની આવી સુંદર, સમજભરી વ્યવસ્થા જૂનાગઢ, દ્વારકા, પાટણ, વડનગર, અમદાવાદ વગેરે ઘણાં ખરાં પ્રાચીન શહેરોમાં જોવા મળે છે. અહીંનાં મંદિરોમાં પણ પાણીના ટાંકા જોવા મળે. અમદાવાદના ખાડિયામાં જૂનાં ઘરોમાં જે પાણીના ટાંકા સચવાયા છે, તેનું પાણી આરોગ્ય માટે સૌથી લાભદાયી હોવાનું અભ્યાસોમાં જણાયું છે. ભૂજમાં તો પાણીના ટાંકાનો મહિમા એક અનોખી રીતે પ્રકાશમાં આવ્યો છે. જૂના ભૂજ શહેરના કોટવિસ્તારમાં રહેતા પાંચ પરિવારોએ ભૂકંપમાં તેમનાં ઘર તૂટતાં શહેરની બહાર નવાં ઘર બનાવવાનું વિચાર્યું ત્યારે તેમણે નવા ઘરમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવાનું પણ નક્કી કર્યું. પાઈપ વાટે, સીધું નળમાં જ પાણી મળવા લાગ્યું ત્યારથી ધીમે ધીમે વરસાદી પાણીના ટાંકાનું મહત્ત્વ આપણે ભૂલવા લાગ્યા છીએ, છતાં હજી કોઈ કોઈ ઠેકાણે એની પહેલાં જેટલી જ માવજત જોવા મળે છે એ આનંદની વાત છે.

તળાવ

કોઈ પણ ગામનું ચિત્ર દોરવાની વાત આવે તો એમાં ગામના પાદરે એક સરસ મજાના તળાવનું દૃશ્ય તો આવે જ આવે. ગામ તો ઠીક, ગુજરાતનાં ઘણાં ખરાં શહેરો તપાસી જૂઓ - અમદાવાદ, વડોદરા, ભાવનગર, જામનગર, ભૂજ... બધે વિશાળ તળાવ કે તેના રહ્યાંસહ્યાં નિશાન જોવા મળે છે. આ બધાં તળાવ માત્ર ગામ કે શહેરની સુંદરતા વધારવા માટે નહોતાં. ગામની જળવ્યવસ્થાનાં એ અભિન્ન અને ચાવીરુપ અંગ હતાં.

ભૂજના હમીરસર તળાવનો જ દાખલો લઈએ. હમીરસરને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલું આ શહેરનું પ્રાચીન જળવ્યવસ્થાપન આજના કોઈ પણ આધુનિક નગરઆયોજન કે જળવ્યવસ્થાપનને શરમાવે તેવું હતું. ઈ.સ. 1923માં ભૂજ શહેરને ફરતો કિલ્લો બાંધવામાં આવ્યો તે સમયે કિલ્લાની બહાર હમીરસરને પણ પાકા ચણતરથી વિશાળ સ્વરુપ આપવામાં આવ્યું. ભૂજની ચોતરફના ડુંગરામાંથી વરસાદનું પાણી હમીરસરમાં વહી આવે તે માટે બે નદી અને એક ઉપનદીને એકમેક સાથે સાંકળી નહેર અને બોગદાંનું એક સુવ્યવસ્થિત નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું. આ રચના એટલી કાર્યક્ષમ હતી કે નબળા વર્ષમાં વરસાદ ઓછો થાય તો પણ હમીરસર છલકાઈ જાય - કચ્છી ભાષામાં કહીએ તો ''ઓગની'' જાય.

આમ એક તરફ, હમીરસરમાં ઘરવપરાશ માટે પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી અને બીજી તરફ ભૂજવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે હમીરસરની ફરતે સુંદર કલાત્મક વાવ અને કૂવાઓની રચના કરવામાં આવી. તળાવના પ્રતાપે જમીનમાં ઉતરેલું પાણી ગળાઈને વાવ-કૂવામાં આવતાં પીવાલાયક બની જાય. આજે પણ હમીરસરને અડીને આવેલા ગઢની રાંગે ચાલતા નીકળો તો થોડા થોડા અંતરે કૂવા જોવા મળે. એમાંના કેટલાક હજી વપરાશલાયક રહ્યા છે અને ઘણા માનવીની નિષ્કાળજી અને ભૂકંપની થપાટથી ભૂતકાળ બની ગયા છે. ભૂજના આયના મહેલ મ્યુઝિયમના ક્યુરેટર શ્રી પ્રમોદભાઈ જેઠી કહે છે, ''મને યાદ છે કે અમારા ફળિયામાંનો કૂવો એવો છલોછલ રહેતો કે હું હાથેથી વાસણ ભરી લેતો.'' જળવ્યવસ્થાપનનો આવો આગવો ઈતિહાસ જાણ્યા પછી એ પણ જાણી લો કે હમીરસરમાં પાણીની આવકની જે વ્યવસ્થા હતી તેની કાર્યક્ષમતા આજે ઘટીને માંડ 15 - 20 ટકા થઈ ગઈ છે. જોકે તેની સામે, જામનગરના લાખોટા તળાવને લોકોએ આપબળે ઊંડું કરીને સરસ દાખલો પણ બેસાડ્યો છે.

વાવ

''અડીકડીની વાવ ને નવઘણ કૂવો, ન જોયાં તે જીવતો મૂવો'', જૂનાગઢનાં આ પ્રસિદ્ધ સ્થળો વિશે આપણી ભાષામાં આ એક સરસ કહેતી છે. એનો મર્મ સમજવા જેવો છે. એમાં ફક્ત પ્રવાસનાં જોવાલાયક સ્થળ તરીકે વાવ અને કૂવાનો મહિમા નથી. જીવનજરુરી પાણી મેળવવા માટેની સુંદર વ્યવસ્થા સમાં આ બંને સ્થાપત્યોની એક વાર મુલાકાત લઈ, પોતાના ગામ-શહેરમાં પણ તેનું અનુકરણ કરવાનો ભાવાર્થ તેમાં સમાયેલો છે.
 

ગુજરાતના જળવારસામાં વાવનું અનેરું મહત્ત્વ છે. આમ તો આખા ગુજરાતમાં જૂની વાવ જોવા મળે છે, પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેનું પ્રમાણ વધુ છે. લોકોના દૈનિક જીવનમાં વાવનું સ્થાન એટલું અગત્યનું હતું કે વાવના બાંધકામ અને અસ્તિત્ત્વ સાથે અનેક ધાર્મિક રીતરિવાજો વણી લેવામાં આવ્યા હતા. રાજા-મહારાજાઓ પ્રજાકલ્યાણના પ્રયાસોના એક ભાગ રુપે વાવ બંધાવીને સારું કામ કર્યાનો સંતોષ લેતા. ધાર્મિક ક્રિયાકાંડો વાવના મુખ પાસે કરવામાં આવતા. ઘણી ખરી વાવના દરેક પગથિયે અને પડાવે સુંદર નક્શી અને દેવ-દેવીઓની મૂર્તિઓ મૂકવામાં આવતી. પાટણની રાણકી વાવ કે અડાલજની વાવ આનું સુંદર ઉદાહરણ છે. બહેનો વાવમાં પૂજન કરીને ઉત્તમ પતિ કે સૌભાગ્યની કામના કરતી. નવપરિણિત દંપત્તિઓ વાવમાં પૂજન કરીને સંતાનપ્રાપ્તિના આશિષ ઈચ્છતા. મુસાફરો કે કાફલા વાવના કાંઠે પડાવ નાખી આરામ કરતા. ગુજરાતમાં ઘણા સ્થળે જોવા મળતા, વાવ કરતાં પહોળા અને ઓછા ઊંડા કૂંડ સાથે પણ ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. આ બધા પાછળનું ખરું કારણ સૌના જીવનમાં પાણીનું મહત્ત્વ ઉતારવાનું હતો. પરંતુ હવે ગુજરાતની ઘણી ખરી વાવ અવાવરુ બની છે અને લોકો તેમાં કચરાના ઢગ ખડકે છે. ક્યાંક કોઈક વાવને સાચવવાના પ્રયાસ થાય છે તે પણ તેની કોતરણી કે સ્થાપત્યકળાને સાચવી લેવાના આશયથી, પાણીના એક મહત્ત્વના સ્રોત તરીકે નહીં. 

આપણા આવા સમૃદ્ધ જળવારસાની અવગણના કેમ થઈ? કદાચ એટલે કે પાણીની બધી જ જવાબદારી સરકારે લઈ લીધી અને લોકોએ પણ હોંશભેંર સોંપી દીધી. ઘરઆંગણના પાણીના સ્રોતની સંભાળ અને સંચાલન આપણે બીજાને સોંપ્યાં અને પોતે એ પ્રત્યે બિલકુલ બેજવાબદાર બન્યા. આપણે જળની જરૂરિયાત તો સમજ્યા, પણ તેનું મહત્ત્વ બરાબર સમજ્યા નહીં. પરંતુ હજી કંઈ મોડું થયું નથી. હવે આપણા ગામનું પાણી આયોજન આપણે આપણી કોઠાસૂઝ પ્રમાણે કરી શકીએ છીએ અને સરકાર તરફથી તેમાં આધુનિક ટેકનોલોજીની મદદ મળી શકે તેમ છે. સોનામાં સુગંધ જેવી વાત હોય, પછી તો તેનો લાભ લેવો જ રહ્યો.