English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગામેગામની પ્રગતિ
ઘોઘા યોજનાની સિદ્ધિઓ
 

લોકોનું ક્ષમતાવર્ધન

ગામમાં પેયજળ, સ્વચ્છતા તથા જળવ્યવસ્થાપનની સુવિધાઓ તૈયાર થાય એ તો જરૂરી છે જ, પરંતુ આ બધાં કામ લોકો આપબળે કરતા થાય તે વધુ મહત્ત્વનું છે. આ હેતુ સિદ્ધ કરવામાં વાસ્મોને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ મળી. આ સંસ્થાના કાર્યકરો ગામલોકો અને પાણી સમિતિઓના સતત સંપર્કમાં રહ્યા અને તેમને પ્રોત્સાહન, માર્ગદર્શન પૂરું પાડ્યાં. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રેરણા પ્રવાસો, લોકો સાથે ચર્ચા, શાળાઓમાં સ્વચ્છતા માર્ગદર્શન, મહિલામંડળો સાથે સફાઈ અભિયાનો, શેરીનાટક વગેરે પ્રવૃત્તિઓ કરી. વાસ્મોએ ગ્રામસ્તરે જીવંત સંપર્ક માટે કાર્યશાળાઓ અને તાલીમનું આયોજન કર્યું.

આ સમગ્ર પ્રક્રિયામાં અનુભવોનું જે ભાથું બંધાયું છે તેનો લાભ પેયજળ અને સ્વચ્છતાના ક્ષેત્રે તો મળશે જ, સાથોસાથ અન્ય ક્ષેત્રોમાં પણ લોકોને કેન્દ્રમાં લાવવાના પ્રયાસોને વેગ મળશે. હાલનાં કામનાં ખરાં ફળ ગામલોકોને આવનારાં વર્ષોમાં માણવા મળશે. પ્રગતિ પરથી સ્પષ્ટ થાય છે કે વાસ્મો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રોત્સાહન સાથે ગામલોકો પોતાના ગામમાં તેમની જરૂરિયાત તથા અનુકૂળતા મુજબની કામગીરી માટે આગળ આવ્યા છે અને આપબળે નિર્ણયો લઈ ધાર્યાં પરિણામો પણ મેળવી શક્યા છે. સૌથી મોટો બોધપાઠ કદાચ એ છે કે લોકોનો આત્મવિશ્વાસ ફરી જાગૃત કરવામાં આવે અને ખૂટતી સહાય કરવામાં આવે તો તેઓ મુશ્કેલીઓમાંથી માર્ગ શોધી શકે છે.
 

  • સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (સીઈઈ), મેધાવી અને ઉત્થાન, આ ત્રણે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાર્યક્રમમાં અમલીકરણ સહાયક સંસ્થા તરીકે સાથ આપી લોકોની ક્ષમતા વધારી સુવિધાઓ વિકસાવવામાં મદદ કરી.

  • આ સંસ્થાઓએ લોકોની ભાગીદારી, સંસ્થાકીય વિકાસ, મહિલાઓની આગેવાની અને સ્વચ્છતાને પ્રોત્સાહન પર ભાર મૂક્યો.

  • લોકોની ક્ષમતા વિકસાવવા માટે તથા બાળકો સહિત, લોકોમાં જાગૃતિ લાવવા માટે કુલ 90 વર્કશોપ યોજવામાં આવી.

  • તમામ ગામોમાં કાર્યક્રમ સંબંધિત સંદેશાઓ પહોંચાડવા માટે 1854 સૂત્રો અને 509 ભીંતચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપયોગી માહિતી આપતી પુસ્તિકાઓ, પોસ્ટર, સ્ટીકર, પેમ્ફ્લેટ વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્યું.

પાણી વિતરણની સુવિધા

યોજના હેઠળ આવરી લેવાયેલાં તમામ 82 ગામમાં વિવિધ પ્રકારની પાણી યોજનાઓનું કામકાજ ગામલોકોએ જોરશોરથી હાથ ધર્યું. ગામમાં પાણી વિતરણને લગતું કામ પૂર્ણ થયા પછી ગામલોકો યોજના સ્વહસ્તક લઈને તેનો લાભ લેવાનું શરૂ કર્યું. આ સાથે જ તેમણે આ યોજનાઓના સંચાલન અને જાળવણીની જવાબદારી પણ ઉપાડી લીધી. યોજનામાં આવરી લેવાયેલાં ગામોમાંથી જે લોકફાળો એકઠો થયો છે, તેનું સંચાલન લોકો પોતે કરી રહ્યા છે. ગામને જે સુવિધાઓનો લાભ મળી રહ્યો છે તેના સંચાલન અને જાળવણીમાં લોકોને આ ભંડોળ ઉપયોગી થઈ રહ્યું છે.

  • યોજનામાં આવરી લેવાયેલાં 82 ગામમાં સૌને શુદ્ધ, નિયમિત અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે ગામોમાં ઊંચી સંગ્રહટાંકી, ભૂગર્ભ સમ્પ, સ્ટેન્ડ પોસ્ટ, પશુઓ માટેના અવાડા અને સ્નાનઘાટ સહિતની પાણી પુરવઠા યોજનાઓ વિકસાવવામાં આવી.

  • યોજના હેઠળ કુલ 84 ઊંચી સંગ્રહ ટાંકીઓ, 84 સમ્પ, 957 સ્ટેન્ડ પોસ્ટ, 130 અવાડા અને 147 સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે.

  • શાળાઓમાં પીવાના પાણીની ઉપલબ્ધિ માટે 150 શાળાઓમાં 10,000 લિટરની સંગ્રહ ટાંકી સાથે છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી.

  • ગામલોકો, પાણી સમિતિના સભ્યો, ઓપરેટરો, બહેનો, શાળાનાં બાળકો વગેરે સૌને પાણીની ગુણવત્તા, ક્લોરિનેશન, પાણીજન્ય બીમારીઓ, સ્વચ્છતાનું મહત્ત્વ વગેરેની જાણકારી આપવા 22 વર્કશોપ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

  • કાર્યક્રમનાં તમામ ગામોને મહિ પાઈપલાઈન નેટવર્ક સાથે સાંકળી લેવામાં આવ્યાં છે. આ નેટવર્ક હેઠળના બંને ઝોનમાં પાણીના શુદ્ધીકરણ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.

જળવ્યવસ્થાપન અને ગોચરનો વિકાસ

આ યોજના ફક્ત હાલની જળ સમસ્યાઓમાંથી રસ્તો કાઢવા માટેની નહોતી. અત્યારે તો આ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં અહીં ભૂગર્ભ જળનાં તળ ઊંચાં આવે, કૂવાને નવજીવન મળે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે, જમીન પર ઘાસની હરિયાળી છવાઈ રહે અને દરિયાની આગળ વધતી ખારાશને નાથી શકાય એ બધા માટે આ યોજનામાં જળસંસાધનોના વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો. આ માટે ગામતળાવ, કૂવા, ચેકડેમ વગેરે જળસ્રોતને વધુ વિકસાવવાના કામને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

ગામ આસપાસની જમીનને ગોચર જમીન તરીકે વિકસાવવાના ખાસ પ્રયાસો કરવામાં આવ્યા. જમીન પર હરિયાળી છવાયેલી રહે તો ગામના પશુધનના ચારા માટે ઉપયોગી થાય, ઉપરાંત દરિયાકાંઠાની આગળ વધતી ખારાશને નાથવામાં પણ તેનાથી મોટી મદદ મળે તેમ છે. આ કામમાં વન વિભાગ તરફથી વાસ્મોને સહયોગ સાંપડ્યો.

  • યોજના હેઠળ કુલ 76 ચેકડેમ, 3 ટાઈડલ કંટ્રોલ ચેકડેમ, 21 નવાં તળાવ, 24 તળાવનું સમારકામ, 122 કૂવાનું રિચાર્જિંગ, 81 કૂવાનું નવીનીકરણ, 132 જળસ્રોતની ડ્રેનેજ વ્યવસ્થા અને 9 ઈન્જેક્શન વેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  • ભૂગર્ભજળના સંચય, પર્યાવરણના જતન અને પશુધન માટે ઘાસચારાની કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે ગોચર જમીનો વિકસાવવામાં આવી. કુલ 36 ગામમાં 658 હેક્ટર જમીનને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ રીતે વિકસાવવામાં આવી. તેની સાથે 52 વન તલાવડી, 7 માટીપાળા અને 2 પ્રોટેક્શન ટ્રેન્ચ પણ બનાવવામાં આવ્યાં.

સ્વચ્છતા

આ યોજનામાં પેયજળની સાથોસાથ ગામમાં પર્યાવરણીય સ્વચ્છતા દ્વારા લોકો તેમનું જીવનધોરણ ઊંચું લાવે તેવું ધ્યેય પણ હતું. યોજના અંતર્ગત ઘરના રસોડા તથા અન્ય વપરાશમાંથી નીકળતા ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે ઘરની બહાર એક શોષખાડો બનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે ગામલોકોને જરૂરી માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવામાં આવ્યું. બીજી તરફ યોજનામાં આવરી લેવાયેલાં ગામોની શાળાઓમાં બાળકોના લાભાર્થે શૌચાલયો તૈયાર કરવામાં આવ્યાં. બાળકોના સુરક્ષિત વિકાસ માટે જરૂરી આ કામ લોકફાળા વિના જ કરવામાં આવ્યું.

  • યોજના હેઠળ ગામોમાં સ્વચ્છતાની પ્રવૃત્તિઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું.

  • 75 ગામમાં કુલ 312 નિદર્શન શોષખાડા, 22441 સબસીડાઈઝ્ડ શોષખાડા અને 8 ગામમાં કુલ 18562 મીટર સેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ વોટર ડિસ્પોઝન કાર્યક્રમ તૈયાર કરવામાં આવી. આથી શેરીઓમાં ગંદા પાણીનું પ્રમાણ ઘટ્યું.

  • વ્યક્તિગત શૌચાલયો પ્રોત્સાહન આપવા અને લોકોમાં સ્વચ્છતાનો અભિગમ વિકસાવવા 456 નિદર્શન શૌચાલય બનાવવામાં આવ્યાં. સાથે 144 શાળા સ્વચ્છતા સંકુલ બનાવાયાં.

  • ગામોને સ્વચ્છ નંદનવન બનાવવા માટે પંચાયતઘર, શાળા, મંદિરો, બસસ્ટોપ વગેરે સ્થળે કુલ 795 કચરાપેટીઓ મૂકવામાં આવી. તમામ ગામોમાં લોકોના સક્રિય સહકાર સાથે સ્વચ્છતા ઝુંબેશ પણ ચલાવવામાં આવી.

ઘોઘા યોજનાની નોંધપાત્ર કામગીરી

ઘોઘા યોજના વિશે વધુ