English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ | ગામેગામની પ્રગતિ
ઈઆરઆર કાર્યક્રમની નોંધપાત્ર કામગીરી
 

ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા

2001ના ભૂકંપથી અસરગ્રસ્ત ગામોમાં આવતાં 30 વર્ષ સુધીની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળાય તેવું આયોજન કરવું તે આ કાર્યક્રમની નેમ છે. તે અનુસાર ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થાનાં બાંધકામોના સમારકામ કરવામાં આવ્યાં છે. તેમ જ, પાણી સમિતિઓ લોકોની જરૂરિયાત અનુસાર પાણીના સમાન અને નિયમિત ધોરણે વિતરણ માટે પાણીની ટાંકી, સમ્પ, પંપ હાઉસ, પાઈપલાઈનનું નેટવર્ક, ઘેર ઘેર નળનાં જોડાણ કે સ્ટેન્ડ પોસ્ટ, પશુઓ માટેના અવેડા વગેરે બાંધકામો કરી રહી છે. કામ પૂરું થતાં આ સુવિધાઓનું સંચાલન, પાણીનું ક્લોરિનેશન, મરામત અને નિભાવણી માટે પાણીવેરાની વ્યવસ્થા વગેરે બધું જ લોકો પોતે સંભાળી રહ્યા છે. પાણીક્ષેત્રે આ કાર્યક્રમમાં એટલી નોંધપાત્ર સિદ્ધિ મળી છે કે કચ્છ જેવા વાર્ષિક માંડ 20 સેમી જેટલો વરસાદ મેળવતા પ્રદેશમાં સંખ્યાબંધ ગામોમાં આ કાર્યક્રમના અમલથી હવે 24 કલાક ઘેર ઘેર પાણી મળતું થઈ ગયું છે.

સ્થાનિક સ્રોતોની કાળજી

કાર્યક્રમમાં આવરી લેવાયેલાં ગામોમાં સરકાર તરફથી શુદ્ધ, પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું રહે તે ઉપરાંત, ખાસ કરીને વપરાશ માટેના પાણીની દૃષ્ટિએ ગામ પગભર બની રહે એ હેતુથી પાણીના સ્થાનિક સ્રોતના મજબૂતીકરણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે ચેકડેમ સહિતનાં વિવિધ બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જળવ્યવસ્થાપનનાં 125 જેટલાં બાંધકામ પૂરાં કરી લેવામાં આવ્યાં છે.

શાળાઓમાં પીવાના પાણીની સુવિધા

શાળાઓમાં પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે છત પરથી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 400થી વધુ શાળાઓમાં આવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે.

સ્વચ્છતાનો આગ્રહ

આ કાર્યક્રમનું એક લક્ષ્ય સંપૂર્ણ સ્વચ્છતા છે. કાર્યક્રમમાં સંકળાયેલ તમામ ગામમાં વાસ્મો અને અમલીકરણ સહાયક સંસ્થાઓ ગામલોકોમાં સ્વચ્છતાનો આગ્રહ કેળવાય તે માટે ખાસ પ્રયત્નશીલ છે. આ માટે દરેક ગામમાં નિયમિત સ્વચ્છતા ઝુંબેશ, શોષખાડાઓ બનાવવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન, શેરીઓમાંથી કચરાના નિકાલની કાયમી વ્યવસ્થા વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શાળાનાં બાળકોમાં સ્વચ્છતા સંબંધિત સુટેવો વિકસે તે માટે નિયમિત ધોરણે પ્રયાસો કરવામાં આવે છે. તે ઉપરાંત, ગામમાં બધાં જ ઘરમાં લોકો પોતાનાં શૌચાલય બનાવે તે માટે ખાસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકોએ પણ એવો પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે કે 61 ગામમાં 100 ટકા ઘરોમાં શૌચાલય બની ગયાં છે અને 110 ગામમાં અડધોઅડધ ઘરમાં શૌચાલય બનાવવામાં આવ્યાં છે.

શાળાઓમાં સ્વચ્છતા સંકુલ

પાણીની સુવિધા ઉપરાંત, શાળામાં બાળકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને અને તેમને સ્વચ્છતા માટેની પાયાની સુવિધાઓ મળી રહે તે વાતને ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. છોકરા અને છોકરીઓ માટે અલગ સ્વચ્છતા સંકુલ બનાવવામાં આવી રહ્યાં છે. 200થી વધુ શાળાઓમાં સ્વચ્છતા સંકુલો ઊભાં થઈ ગયાં છે અને બીજી 200 જેટલી શાળાઓમાં આ કામ પૂરું થવામાં છે.

મીઠાના અગરિયાઓ માટેની પહેલ

અત્યંત કઠીન પરિસ્થિતિઓનો સામનો કરતા અગરિયાઓની તકલીફો દૂર કરવા માટે આ કાર્યક્રમ હેઠળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં સામેલ 61 જેટલાં ગામોમાં અગરિયાઓ વસે છે. આ ગામમાં કાર્યક્રમના અમલને પ્રાથમિકતા આપવામાં આવી છે અને અહીં ગામલોકોને પહેલ કરવા વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક-એક અને પાટણ જિલ્લામાં પાંચ ગામમાં કાર્યક્રમનું સફળ અમલીકરણ થયું છે.

પાણી વેરા

દરેક ગામમાં પીવાના પાણીની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે. તેમ, વર્ષો સુધી આ વ્યવસ્થાની નિયમિત સારસંભાળ પણ લેવાવી જોઈએ. આ માટે ગામની પાણીસમિતિને નિયમિત આવક જરૂરી બને છે. આથી ગામલોકો તેમની જવાબદારી સમજીને પાણીના વપરાશ બદલ ચોક્કસ પાણીવેરો ભરતા થાય એવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બને છે. કાર્યક્રમમાં સામેલ 431 ગામમાં ગામલોકોએ જાતે જ પાણીવેરા નક્કી કર્યા છે. વેરાના દર, વેરા ઉરાવવાની પદ્ધતિ, મોડું થાય તો દંડ વગેરે તમામ જોગવાઈ પણ ગામલોકોએ પોતે નક્કી કરી છે. પાણી સમિતિના સભ્યોને પાણી અને સ્વચ્છતાની સુવિધાઓની યોગ્ય સારસંભાળની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

ઈઆરઆર કાર્યક્રમની ભૌતિક પ્રગતિ

ઈઆરઆર કાર્યક્રમમાં  અમલીકરણ સહાયક સંસ્થાઓ અને ગામો

ઈઆરઆર કાર્યક્રમ વિશે વધુ